શ્રાવણના છેલ્લા સોમવારે શહેર શિવમય બન્યું

વડોદરા/ અમદાવાદ : શ્રાવણ મહિનાનો આજે અંતિમ સોમવાર હોય શહેરના શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભોલેનાથના ભક્તો ઊમટી પડ્યા હતા. ભોલેનાથની પૂજા, અર્ચના, અભિષેક માટે શિવાલયોમાં લાંબી-લાંબી કતારો લાગી હતી. કલાકો સુધી કતારોમાં ઊભા રહી ભોલેભંડારીને અભિષેક, બિલીપત્ર ચઢાવી ભક્તોેએ ધન્યતા અનુભવી હતી. આજે વહેલી સવારથી શહેરના શિવાલયો ‘ઓમ નમઃ શિવાય’ના નાદજી ગૂંજી ઊઠ્યા હતા.

શહેરના પૌરાણિક શિવાલયો તેમજ અન્ય શિવ મંદિરોમાં ઘીના કમળ તથા ભક્તિ સંગીતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. મોટાભાગના શિવમંદિરો લાઇટીંગ અને રંગબેરંગી તોરણોના શણગારથી ઝળહળી ઊઠ્યા હતા. શણગારની સાથે સાથે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મોટી સંખ્યામાં ઊમટી પડેલા શિવભક્તોએ હજારો લીટર દૂધ- બિલીપત્રો તથા પંચામૃતથી શિવલિંગ ઉપર અભિષેક કર્યો હતો.

શ્રાવણનો અંતિમ સોમવાર હોય શિવભક્તોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને શિવ ઉપાસના તથા પ્રાર્થના કરી હતી.

You might also like