શ્રાધ્ધ વિધિ માટે ચાંદોદ-કરનાળી ખાતે શ્રધ્ધાળુઓનો ધસારો

ચાંદોદ : કરોડો જીવોમાં સંસ્કારી જીવ મનુષ્ય છે. મનુષ્યને જન્મ પૂર્વે ગર્ભધાન સંસ્કાર અને મૃત્યુ બાદ અગ્નિસંસ્કાર અપાય છે. જન્મથી મૃત્યુ સુધી ૧૬ સંસ્કારો થાય છે. તેમાં એક સંસ્કાર નામકરણ સંસ્કાર જે નામ અપાય છે તે નામ અમર રહે તે માટે ૧૨માં દિવસે શ્રાધ્ધ કરાય છે. દર વર્ષે આવતા શ્રાધ્ધની વિધિ ચાંદોદ-કરનાળી જેવા તિર્થસ્થાનો પર શ્રધ્ધાળુઓનો ધસારો રહે છે.

ભાદરવા મહિનામાં પૂનમથી ૧૬ દિવસના શ્રાધ્ધના ગણાય છે. પરિવારોમાં પૂર્વજો પ્રત્યે અતુટ શ્રધ્ધા છે. પૂર્વજોના આશિર્વાદ મેળવવા પિતૃઓના આત્માની શાંતિ માટે પિતૃ નારાયણબલિની વિધિ લોકો શ્રધ્ધાપૂર્વક કરાવે છે. પિતૃઓની તૃપ્તિ માટે કૃપા મેળવવા નારાયણબલિ શ્રાધ્ધ એ ઉત્તમ શ્રાધ્ધ ગણાય છે. આ શ્રાધ્ધમાં માતૃપક્ષ અને પિતૃપક્ષના તમામ આત્માઓને સદ્ગતિ અપાય છે.

ચાંદોદ અને કરનાળીમાં કુબેરભંડારીદાદાના સાનિધ્યમાં ચારેતરફ તિર્થસ્થાનો છે. અહીં નર્મદાજી વહી રહયા છે. ત્યાં ત્રિવેણી સંગમ થાય છે. નર્મદાજી સાથે ઓરસંગ અને ગુપ્ત સરસ્વતી નદી તેમ ત્રણ નદીઓનો સંગમ થતાં આ સ્થળનું મહત્વ ખુબ વધ્યું છે.

 

ત્રિવેણી સંગમ ખાતે કુબેરભંડારીનું વિશ્વ પ્રખ્યાત પ્રાચીન મંદિર છે. આ નદીમાં જે ગોળાકાર પથ્થરો છે તેને ભકતો પોતાન ઘરે લઈ જાય છે અને નર્મદેશ્વર તરીકે તેની પૂજા કરે છે. નારાયણ બલિ શ્રાધ્ધ કરી પિંડદાન કરી તે પિંડને ત્રિવેણી સંગમમાં પધરાવવામાં આવે છે. કરનાળીના કુબેરભંડારી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

You might also like