શ્રાદ્ધના ભોજનમાં શા માટે બ્રહ્મ ભોજન?

જે શ્રાદ્ધથી આપવામાં આવે તેને ‘શ્રાદ્ધ’ કહેવાય છે. શ્રદ્ધા અને મંત્રના સુમેળથી જે વિધિ કરવામાં આવે છે તે ‘શ્રાદ્ધ’ કહેવાય છે. જીવાત્માનું આગળનું જીવન પાછલા સંસ્કારોથી બને છે. તેથી જ તો શ્રાદ્ધ કરીને એ ભાવના રાખવામાં આવે છે કે જીવાત્માનું આગળનું જીવન સારું જાય. હવે જે તે કુટુંબના પિતૃનું શ્રાદ્ધ કરવાનું હોય તે શ્રાદ્ધ તેમણે શ્રદ્ધાથી, ઉત્તમ પ્રકારનાં દ્રવ્યોથી કરવું જોઈએ. આ માટે બ્રહ્મભોજન કરાવવું જોઈએ. વિચારશીલ સંયમી પુરુષે શ્રેષ્ઠ બ્રાહ્મણને અગાઉ એક દિવસ આમંત્રણ આપી દેવું જોઈએ.શ્રાદ્ધને દિવસે કોઈ અનિમંત્રિત તપસ્વી બ્રાહ્મણ, અતિથિ અથવા સાધુ, સંન્યાસીને જો આવી ચડ્યા હોય તો તેમને પણ શ્રાદ્ધ જમાડવું જોઈએ.

વાયુપુરાણમાં ‘બૃહસ્પતિ’ પોતાના પુત્ર ‘શંયુ’ને કહે છે. “જિતેન્દ્રિય અને પવિત્ર થઈને પિતૃઓને ગંધ, પુષ્પ, ધૂપ, ઘૃત, આહુતિ, ફળ, મૂળ વગેરે અર્પણ કરીને નમસ્કર કરવા. પિતૃઓને પ્રથમ તૃપ્ત કરવા. આમ કરવાથી પિતૃ પ્રસન્ન થઈ આશીર્વાદ આપે છે.”

ભોજન માટે ઉપસ્થિત અન્ન અત્યંત મધુર તથા સારી રીતે પકાવેવું હોવું જોઈએ. બ્રાહ્મણે ભોજન સમયે કદી આંસુ ન વહાવવાં જોઈએ. ક્રોધ ન કરવો. અસત્ય ન બોલવું. પગથી અન્ન સ્પર્શ ન કરવો. પીરસતી વખતે અન્નને હલાવવું ન જોઈએ આંસુ વહાવવાથી શ્રાદ્ધાન્ન ભૂતોને, ક્રોધ કરવાથી શત્રુઓને, અસત્ય બોલવાથી કૂતરાંને, પગ અડાવવાથી રાક્ષસોને અને અન્ન ઉછાળવાથી પાપીઓને તે અન્ન પ્રાપ્ત થાય છે. પિતૃઓ સુધી પહોંચતું નથી.

(મનુસ્મૃતિ : ૩-૨૨૯, ૨૩૦)

જ્યાં સુધી અન્ન ગરમ રહે છે. બ્રાહ્મણો મૌન રહીને ભોજન કરે છે. જ્યાં સુધી ભોજનના ગુણો નથી વર્ણવતા ત્યાં સુધી પિતૃઓ ભોજન કરે છે. માથે પાઘડી બાંધીને અથવા દક્ષિણ તરફ મુખ રાખીને અથવા પાદુકા પહેરીને જે ભોજન કરવામાં આવે તે રાક્ષસો ખાઈ જાય છે. પિતૃ સુધી તે શ્રાદ્ધાન્ન પહોંચતંુ નથી.

(મનુસ્મૃતિ : ૨-૨૩૭, ૨૩૮)

ભોજન કરી રહેલા બ્રાહ્મણો પર ચંડાળ, સૂવર, કૂકડા, કૂતરાં, રજસ્વલા સ્ત્રી અને નપુંસકની દૃષ્ટિ પડવી ન જોઈએ. હોમ, દાન, બ્રહ્મભોજન, ’દેવકર્મ, પિતૃર્ક્મને જો આ લોકો જોઈ લે છે તો તે શ્રાદ્ધાન્ન પિતૃ સુધી પહોંચતું નથી. સુવરના સૂંઘવાથી, કૂકડાની પાંખની હવાથી, કૂતરાનાં જોવાથી અને શૂદ્રના અડકવાથી શ્રાદ્ધાન્ન નિષ્ફળ જાય છે. લંગડો, કાણો, શ્રાદ્ધકર્તાઓનો સેવક, હીનાંગ, અધિકાંગ આ બધાને શ્રાદ્ધાન્નથી હટાવી લેવાં જોઈએ.

(મનુસ્મૃતિ : ૩, ૨૪૧, ૨૪૨)

શ્રાદ્ધમાં વધેલ ભોજન વગેરે વસ્તુઓને સ્ત્રીને તથા જે અનુચર ન હોય તેવા શૂદ્રને આપવી જોઈએ. અજ્ઞાનવશ જો કોઈ તેમને આપી દે છે તો તેણે કરેલ શ્રાદ્ધથી પિતૃ દુઃખી થઈ જાય છે. શ્રાદ્ધકર્મમાં વધેલા એઠાં અન્નાદિ પદાર્થ કોઈનેય આપવા નહીં. તેનો યોગ્ય નિકાલ કરવો.

(વાયુપુરાણ : ૭૯.૮૩)

શ્રાદ્ધમાં ભોજન કરવાથી, કરાવવાથી, બ્રહ્મભોજન કરાવવાથી જે તે શ્રાદ્ધકર્તાના પિતૃ પ્રસન્ન થાય છે. તે તૃપ્ત થાય છે. તેમને તૃપ્તિ થવાથી તે આશીર્વાદ આપે છે. પરિણામે જે તે શ્રાદ્ધકર્તા ખૂબ સુખી થાય છે.•

– શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like