શ્રદ્ધાને ભજવવા છે ગ્રે શેડ રોલ 

શ્રદ્ધા કપૂરની બોલિવૂડમાં એક પછી એક ફિલ્મો સફળ રહી. તાજેતરમાં એક મેગેઝિને કવર પેજ પર તેની તસવીર છાપી અને તેને બ્લોકબસ્ટર પ્રિન્સેસ કહ્યું. બોલિવૂડમાં શ્રદ્ધાની એક પછી એક ફિલ્મ બ્લોકબસ્ટર રહી છે. તેની લાસ્ટ ફિલ્મ ‘એબીસીડી-2’ બ્લોકબસ્ટર રહી હતી. આ પહેલાં તેની ‘હૈદર’, ‘એક વિલન’ અને ‘આશિકી-2’એ બોક્સઓફિસ પર સફળતા મેળવી છે. તેની આગામી ફિલ્મો પણ સારું પ્રદર્શન કરે તેવી આશા છે, તેમાં ટાઇગર શ્રોફની સાથે ‘બાગી’ અને ‘રોક ઓન-2’ જેવી મોટી ફિલ્મો સામેલ છે. 

ખાસ વાત એ છે કે શ્રદ્ધા અભિનયની સાથેસાથે એક સારી ગાયિકા તરીકે પણ પોતાને સાબિત કરી ચૂકી છે. ફિલ્મ ‘રોક ઓન-2’ માટે પણ તે સંગીતનું શિક્ષણ લઇ રહી છે. તેને એક મશહૂર ગાયિકા સમાંથા એડવર્ડ્સ શિક્ષણ આપી રહી છે. આ પહેલાં સમાંથાએ પ્રિયંકા ચોપરાને ટ્રેનિંગ આપી હતી, જે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ બનાવી ચૂકી છે. 26 વર્ષીય આ સુંદરીએ ગાયિકા તરીકેની શરૂઆત ‘એક વિલન’ના ‘ગલિયાં’ ગીતથી કરી હતી. ત્યારબાદ તેણે ‘હૈદર’માં એક ગીતને પોતાનો અવાજ આપ્યો. શ્રદ્ધા કહે છે કે મને ગીત ગાવાં ગમે છે, પરંતુ આ પહેલાં મેં  ક્યારેય તેનું શિક્ષણ લીધું નથી. હું ‘રોક ઓન’ માટે તેની ટ્રેનિંગ લઇ રહી છું. 

શ્રદ્ધા ગ્રે શેડવાળી ભૂમિકાઓ ભજવવા ઇચ્છે છે. તે કહે છે, તમે બહુ જલદી મને ગ્રે શેડવાળી ભૂમિકામાં જોશો, જોકે શ્રદ્ધાએ એ જણાવ્યું નથી કે તે કઇ ફિલ્મમાં આવી ભૂમિકાઓ ભજવવાની છે. સફળતાનો પૂરો આનંદ લઇ રહેલી શ્રદ્ધા તેની અત્યારની કરિયરથી ખુશ છે. તે કહે છે કે ઘણી વાર મને લાગે છે કે મારે ખુદને બદલવી જોઇએ. મારે ખુદને સારી રીતે અભિવ્યક્ત કરવી જોઇએ, જોકે મને એ માટે થોડો સમય જોઇશે. 

 

You might also like