શ્રદ્ધાને નજીકથી જાણવાનો મોકો મળ્યોઃ ટાઈગર શ્રોફ

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા જેકી શ્રોફના પુત્ર ટાઇગરે પોતાની કરિયરની શરૂઆત ‘હીરોપંતી’ ફિલ્મથી કરી. આ ફિલ્મ દ્વારા તેણે સાબિત કરી દીધું કે તે બોલિવૂડમાં લાંબી રેસનો ઘોડો સાબિત થશે. ‘હીરોપંતી’માં તેણે ઘણો બોડી શો અને સ્ટંટ કર્યા, જેના માટે તેનાં વખાણ પણ થયાં. આ ફિલ્મની સફળતા બાદ ટાઇગર શ્રોફને ઢગલાબંધ ફિલ્મોની ઓફર મળી, પરંતુ તેણે ફિલ્મ સાઇન કરવામાં કોઇ ઉતાવળ ન કરી. એક સારા કલાકારની ઓળખ આ જ હોય છે. હાલમાં તે પોતાની આગામી ફિલ્મ ‘બાગી’માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેણે પોતાનું બેસ્ટ પર્ફોર્મન્સ આપવાની કોશિશ કરી છે, કેમ કે તે જાણે છે કે ‘હીરોપંતી’ બાદ દર્શકોની અપેક્ષાઓ તેના માટે વધી ગઇ છે.ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર પહેલી વાર એકસાથે ‘બાગી’ ફિલ્મમાં જોવા મળશે. આ બંને નાનાં હતાં ત્યારે એક જ સ્કૂલમાં ભણતાં હતાં. બાદમાં ઘણી વાર બંનેની મુલાકાતો થઇ, પરંતુ તેઓ બહુ સારા મિત્રો ન હતાં. ટાઇગર કહે છે કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન શ્રદ્ધાને નજીકથી જાણવાનો મોકો મળ્યો. તે સારી અભિનેત્રી છે અને સારી વ્યક્તિ પણ છે. પહેલી વાર શ્રદ્ધા અા ફિલ્મમાં એક્શન કરતી જોવા મળશે. ફિલ્મનાં કેટલાંક દૃશ્યોમાં તે ડિગ્લેમ પણ દેખાશે. ‘બાગી’ બાદ ટાઇગર શ્રોફ તેની આગામી ફિલ્મ ‘ફ્લાઇંગ શીખ’ કરશે. તેનું ડિરેક્શન રેમો ડિસોઝાએ કર્યું છે. આ ફિલ્મમાં ટાઇગર સાથે જેકલીન ફર્નાન્ડીઝ છે. 

You might also like