શૂટિંગ દરમિયાન માત્ર મારા પાત્ર સાથે રહું છુંઃ સિ‌દ્દિકી

અાટલી બધી સફળતા મળ્યા છતાં પણ નવાઝુદ્દીન સિ‌દ્દિકી પર સફળતાનો નશો ચઢ્યો નથી. ફિલ્મોના શૂટિંગ દરમિયાન તે ખૂબ જ શાંત રહે છે. 

તે કોઈની સાથે વધુ વાત પણ કરતો નથી. એ કહે છે કે મારા પર સફળતા કરતાં વધુ ફિલ્મ મેકિંગનો નશો હોય છે. હું સતત શૂટિંગ કરી રહ્યો હોઉ, કેમેરાની સામે હોઉ એ સૌથી મોટો નશો છે. હું મારી સફળતાને નહીં, પરંતુ મારા કામને એન્જોય કરું છું. 

નવાઝુદ્દીન સિ‌દ્દિકી કહે છે કે ખુદને લઈને મને ક્યારેય કોઈ ગલતફહમી રહી નથી. મારું ફિલ્મોમાં અાવવાનું એવા સમયે થયું જ્યારે સિનેમામાં નવાં નવાં પરિવર્તનો થતાં હતાં, જેનો ફાયદો મને મળ્યો. અાજે હું જેવાં પાત્ર ભજવવા ઈચ્છું છું તે પ્રકારનાં પાત્રો મળી રહ્યાં છે, પરંતુ તેનો અર્થ એ નથી કે મારો સંઘર્ષ પૂરો થયો છે. 

અમિતાભ બચ્ચને નવાઝુદ્દીનના કામથી પ્રભાવિત થઈને તેની સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હવે ‘કેરલા’ ફિલ્મમાં નવાઝુદ્દીન બચ્ચન સાથે કામ કરી રહ્યો છે. અા અંગે તે કહે છે કે હું બાળપણથી જ બિગ બીનો મોટો પ્રશંસક રહ્યો છું, હું નાના પડદા પર ‘યુદ્ધ’ સિરિયલમાં તેમની સાથે કામ કરી ચૂક્યો છું. તેમની સાથે કામ કરીને મને ઘણું બધું શીખવા મળ્યું છે. 

નવાઝુદ્દીન કહે છે કે હું હંમેશાં મારું કામ ઈમાનદારી સાથે કરવાની કોશિશ કરું છું. એક્ટિંગ અંગે મને જેટલી સમજ છે તેવું મારા રોલ પાછળ લગાવી દઉં છું. તેનું પરિણામ શું અાવશે તે અંગે વિચારતો પણ નથી. કેમેરા એક વાર ચાલુ થાય તરત જ મારો ફોન એક તરફ ફેંકી દઉં છું. એવી વસ્તુઓ જે મારું ધ્યાન ભટકાવી દે તેનાથી હું સંપૂર્ણ દૂર રહું છું. શૂટિંગ દરમિયાન મને માત્ર મારા પાત્ર સાથે રહેવું ગમે છે. 

You might also like