શું વિધાતાના પણ લેખ લખાતા હોય છે?

આપણે એવું માનીએ છીએ કે આપણા લેખ વિધાતા લખે છે. પરંતુ વિધાતાના પણ લેખ બીજા કોઈ વિધાતા લખતા હોય છે. મનુષ્ય જેવાં કર્મ કરે છે તેને આધારે નક્કી થતું હોય છે કે તેના જીવ કંઈ યોનિમાં જશે? સંસારના જીવોની ચાર ગતિ ગણાવાઈ છે. મનુષ્ય, તિર્યંચ (પશુ, પક્ષી) દેવગતિ તથા નરકગતિ.

દેવલોક ભોગભૂમિ છે. જ્યારે નરક ઘોર દુઃખ ભોગવવાની ભૂમિ છે. જે જીવે જે જીવે જે ગતિનું કર્મ બાંધ્યું હોય તે જીવને બીજા, ત્રીજા કે ભવભવાંતરમાં તે યોનિમાં જવું જ પડે છે. આમ કર્મ આપણા માટે ખૂબ મહત્ત્વનું બની રહે છે. કર્મ જ એક એવું છે જીવનમાં કે જેનો એક જ વખત બંધ પડે. બીજા પ્રકારનાં કર્મોનો બંધ સતત પડતો જ રહે છે. જે લોકો ખૂબ લોભી હોય, પાપી હોય, અતિપરિગ્રહી હોય, મહારાગી હોય, મહાલોભી હોય તે લોકો નરકગામી બને છે.

જે લોકો કૂડકપટમાં રાચતા હોય, અન્ય જીવોને છેતરતા હોય, છળપ્રપંચ કરતા હોય, તે લોકો મોટેભાગે તિર્યંચયોનિ પામે છે. અર્થાત્ તેમનો બીજો જન્મ પશુ-પક્ષીની યોનિમાં થાય છે. જો તેમનાં કર્મોનો બંધ ગાઢ હોય તો તે જીવ પશુ પંખીની પણ નીચલા સ્તરની યોનિમાં જાય છે. તેઓ તે અનુરૂપ આયુષ્ય બાંધે છે.

જે લોકો સરળ, મૃદુ સ્વભાવના હોય, સંતોષી હોય, પરોપકરી હોય, સંપત્તિ પાછળ દોડનારા ન હોય, પ્રામાણિકતાથી જીવતા હોય, કોઈનાં દુઃખે દુઃખી થતા હોય, દયાળુ હોય, ધાર્મિક, શ્રદ્ધાળુ હોય તેઓ તેમના ભવનું ભાથું બાંધે છે. જે લોકો નીતિમતાવાળા હોય, વ્રત, જપ, ઈત્યાદિમાં લીન હોય, સૌનાં સુખની ઈચ્છા રાખનારાં હોય, પરગજુ હોય તે લોકો તેમનાં મૃત્યુ પછી મોટેભાગે દેવયોનિમાં જાય છે. લગભગ દરેક મનુષ્ય સારાં રંગરૂપ ઈચ્છે છે. સુસ્વર ઈચ્છે છે. સુંદર દેહાકૃતિ, અંગોપાંગ, યશ, સૌભાગ્ય, ઈત્યાદિ ઝંખે છે. તેમને તે ન મળ્યાં હોય તો તેમને તેમનાં જીવનમાં ઘણું સહન કરવું પડે છે. આ બધું જન્મજાત મળે છે. તે એક વાર મળે તો પછી તેમાં તે કોઈ ફેરફાર થતો નથી. તેમાં સુધારો કરવો લગભગ અશક્ય છે. હવે પછીના અવતારમાં આપણે સારું તથા પૈસાપાત્ર કુંટુંબ મળે તેવી ઈચ્છા હોય તો કર્મબંધની જાણકારી મેળવી તે મુજબનાં કર્મો કરવાં.

આ કર્મબંધને ૬ નામકર્મ કર્મબંધ કહેવાય છે. તેના થકી મોટાભાગે દેહાકૃતિ, યશ, વૈભવ વગેરે મળે છે. જો બધું જ સારું મળે તો તેને શુભનામકર્મ કહે છે. જો બધું અણગમતું, ઊણું, હીણું, ઊતરતું મળે તો તેને અશુભનામકર્મ કહેવાય છે.

આ અશુભનામકર્મથી બચવું હોય તો કોઈનોય જીવ દુભાવવો નહીં. કોઈનેય દુઃખ આપશો નહીં. કોઈનાંય અંગ ઉપાંગ તોડશો નહીં. કોઈનીય ખોડખાંપણની મશ્કરી કરશો નહીં. જો આમ કરશો તો તમારા જીવને અશુભનામકર્મ ચોંટશે નહીં. અશુભનામકર્મનો બંધ ભાવિ જન્મમાં મળનાર રંગ, રૂપ, અંગ, ઉપાંગ, યશ, સૌભાગ્ય, દેહાકૃતિને બગાડી મૂકે છે.

જો કોઈ મનુષ્ય દુષ્ટ બુદ્ધિને અનુસરી કોઈ વ્યક્તિને વિના કારણે ફક્ત પોતાની ઈર્ષાવૃત્તિને પોષણ મળે તે હેતુથી હેરાન પરેશાન કરે, તેને બદનામ કરે, તેની ભૂલો શોધી જાહેર કરે તો તેનાં દરેક કર્મનું ફળ તેને અવશ્ય ભોગવવું પડે છે. હસ હસીને કરેલાં કર્મ તેને રોઈ રોઈને જ ભોગવવાં પડે છે. તે તેમાંથી છૂટી શકતો નથી.

You might also like