શું બોર્ડ ઇચ્છે છે કે ક્રિકેટર્સના છૂટાછેડા થઈ જાય?

મેલબોર્નઃ એશીઝ શ્રેણીની અંતિમ ટેસ્ટ મેચ હાલમાં ચાલી રહી છે. શ્રેણીમાં ઈંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાના કારમા પરાજય બાદ ખેલાડીઓની પત્ની અને ગર્લફ્રેન્ડ્સને આ માટે જવાબદાર ઠેરવવા પર બબાલ શરૂ થઈ ગઈ છે. કાંગારું ખેલાડીઓની સમજમાં એ નથી આવતું કે આખરે તેમના ખરાબ પ્રદર્શન માટે તેમની પાર્ટનર કેવી રીતે જવાબદાર હોઈ શકે. નિવૃત્તિની જાહેરાત કરી ચૂકેલા ઓસ્ટ્રેલિયન ટીમનાે કેપ્ટન માઇકલ ક્લાર્ક આ કારણને વખોડી ચૂક્યો છે.ક્લાર્કને હવે વધુ એક ટેકો મળી ગયો છે. ઓસ્ટ્રેલિયન ટીમના મુખ્ય પસંદગીકાર રોડ માર્શે આ મામલામાં ક્લાર્કના નિવેદનનું સમર્થન કર્યું છે. માર્શે કહ્યું કે, ”તમે શું ઇચ્છો છો? તમે એવું ઇચ્છો છો કે ખેલાડીઓના છૂટાછેડા થઈ જાય? તમે ઇચ્છો છો કે ખેલાડી નાખુશ રહે? આજના જમાનામાં કાર્યક્રમ જ એવો હોય છે કે તમે પરિવાર વિના ક્રિકેટ રમી શકો નહીં. પ્રવાસ દરમિયાન જો ખેલાડી તેના પરિવારને ના મળી શકે તો તે ખુશ રહી શકે નહીં.”આ અગાઉ ક્લાર્કે ખરાબ પ્રદર્શન બદલ પત્નીઓ અને ગર્લફ્રેન્ડ્સને જવાબદાર ઠેરવવા પર વિરોધ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું કે, ”આ વાત કચરા જેવી છે. ટેસ્ટમાં મારી ૧૦ સદી મારી પત્નીને કારણે જ નોંધાઈ છે. તેના વિના હું અધૂરો ખેલાડી છું.” એશીઝ શ્રેણીમાં એક સમયે ૧-૧થી બરાબર કાંગારું ટીમ બર્મિંગહમ અને નોટિંગહમ ટેસ્ટમાં ઘૂંટણે પડી અને શ્રેણી ૩-૧થી હારી ગઈ.
You might also like