શીના બોરાની હત્યા પાછળનું વાસ્તવિક સત્ય ખરેખર શું છે?

શીના બોરાની હત્યા શા માટે કરવામાં આવી હતી? આ કેસમાં મુંબઇ પોલીસની તપાસ એ મુકામ પર પહોંચી ગઇ છે કે હવે એ વાતને લઇને કોઇના મનમાં શંકા નથી કે રિલાયન્સ કંપનીમાં કામ કરતી ર૪ વર્ષીય સુંદર યુવતી શીના બોરાની હત્યાની કાતિલ કોણ છે? શીનાની હત્યા કહેવાતી રીતે તેની જ માતા ઇન્દ્રાણી મુખરજીએ કરી હતી. ઇન્દ્રાણી મુખરજી સ્ટાર ઇન્ડિયાના પૂર્વ સીઇઓ પીટર મુખરજીની પત્ની છે. જો પોલીસની વાત પર વિશ્વાસ મૂકીએ તો ઇન્દ્રાણી મુખરજી, તેના બીજા પતિ અને ડ્રાઇવરે સાથે મળીને શીનાની હત્યા કરી હતી અને લાશ મુંબઇની નજીક રાયગઢ જિલ્લાના જંગલમાં સળગાવીને દફનાવી દીધી હતી. 

આ હત્યાકાંડ ર૦૧રમાં થયો હતો, પરંતુ સમાચારોની દુનિયામાં છેક હવે તે જાહેર થયો છે. ત્રણ વર્ષથી વધુ સમય સુધી એવું લાગી રહ્યું હતું કે શીનાના ભેદી રીતે ગાયબ થવાની ઘટના અંગે જાણે કોઇને ખબર જ નહોતી. શીનાની હત્યા ર૪ એપ્રિલ, ર૦૧રના રોજ થઇ હતી. શીનાનું ફેસબુક એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું અને તેની મા ઇન્દ્રાણી મુખરજી બધાને એવું જ ભરમાવી રહી હતી કે તે અમેરિકા ચાલી ગઇ છે. તેનો ભાઇ મિખાઇલ ગૌહાતીમાં હતો અને ઇન્દ્રાણી મુખરજી દ્વારા તેને પણ આવું જ જુઠાણું બતાવવામાં આવી રહ્યું હતુું. પીટર મુખરજીની અગાઉની પત્નીથી થયેલા પુત્ર રાહુલ અને શીના વચ્ચે પ્રણય સંબંધો હતા અને તેથી ઇન્દ્રાણી મુખરજીએ શીનાને ખતમ કરી નાખી હોવાનું કહેવાય છે. ઇન્દ્રાણીએ શીનાની લાશનો સિફતપૂર્વક નિકાલ કર્યો હતો.

હવે તો શીના બોરા મર્ડર કેસમાં રોજબરોજ નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ઈન્દ્રાણી શીનાની લાશ કારની પાછળની બેઠક પર રાખીને રાયગઢ લઈ ગઈ હતી. લાશને બેઠેલી સ્થિતિમાં રાખી હતી. શીનાની લાશને ઈન્દ્રાણી મુખરજી અને તેના બીજા પતિ સંજીવ ખન્નાની વચ્ચે બેસાડીને લઈ જવામાં આવી હતી. ઈન્દ્રાણી સંજીવ ખન્ના વર્લીથી વહેલી સવારે જ શીનાની લાશ લઈને રવાના થઈ ગયા હતા. રસ્તામાં જો કોઈ પોલીસ પૂછપરછ કરતા તો શીના ગાઢ ઊંઘમાં છે એવું ઈન્દ્રાણી કહી દેતી હતી. કાર ઈન્દ્રાણીનો ડ્રાઈવર શ્યામવર રાય ચલાવતો હતો.

બીજો એક ચોંકાવનારો ધડાકો એ થયો છે કે ઇન્દ્રાણીના પ્રથમ પતિ મનાતા સિદ્ધાર્થે ઘટસ્ફોટ કર્યો છે કે શીના તેમની જ પુત્રી છે. પોલીસ ઈચ્છે તો હું ડીએનએ ટેસ્ટ આપવા પણ તૈયાર છું.  સિદ્ધાર્થે બીજો ધડાકો એ કર્યો છે કે ઈન્દ્રાણી સાથે તેનાં લગ્ન થયાં નથી, પરંતુ અમે સાથે રહેતાં હતાં. શક્ય છે કે તે અમારા સ્ટેટસથી ખુશ નહીં હોય. આ અગાઉ આ ટીવી ન્યૂઝ ચેનલે આસામમાં સિદ્ધાર્થના પરિવારનો પણ સંપર્ક કર્યો હતો. સિદ્ધાર્થના ભાઈ શાંતનુ દાસે જણાવ્યું હતું કે સિદ્ધાર્થ છેલ્લાં ૧૦ વર્ષથી પરિવારના સંપર્કમાં નથી. જોકે તેમણે એ વાતને સમર્થન આપ્યું હતું કે શીના સિદ્ધાર્થની પુત્રી છે.

હવે પ્રશ્ન એ છે કે શીનાની હત્યા ર૦૧રમાં કરાઇ હતી અને ર૦૧પમાં એકાએક આ હત્યાકાંડનો પર્દાફાશ કઇ રીતે થયો? આ હત્યાકાંડ અંગે પોલીસ સુધી સમાચાર કોણે પહોંચાડયા? આ કમનસીબ છોકરી શીના અંગે આટલી બધી જાણકારી કોણ રાખતું હતું? અને તેની હત્યાની રજેરજ વિગતો પોલીસ સુધી કોણે પહોંચાડી? જોકે આ પ્રશ્નો અત્યાર સુધી અનુત્તરીય રહ્યા છે.

હજુ સુધી શીનાની હત્યા અંગે પોલીસ સુધી કોણે બાતમી પહોંચાડી તે અંગે કોઇ જ વિશ્વસનીય કે સત્તાવાર ખુલાસો થયો નથી, પરંતુ મુંબઇ અને દિલ્હીમાં વહેતી થયેલી વાતો પરથી એવો નિર્દેશ મળે છે કે તેની પાછળ કોઇ વગદાર અને સ્થાપિત હિતોનો હાથ છે. આ તત્ત્વો કોઇ પણ ભોગે ઇન્દ્રાણીના પતિ અને સ્ટાર ઇન્ડિયાના પૂર્વ વડા પીટર મુખરજીને કાનૂની દાવપેચમાં ફસાવવા માગે છે. મુંબઇના પોલીસ કમિશનર રાકેશ મારિયાને જ્યારે આ શીનાના લાપતા થવા અંગેની અને તેની હત્યાની જાણ કરવામાં આવી હતી ત્યારે ઇન્દ્રાણી વિદેશમાં હતી.

રાકેશ મારિયાએ આ વાત ખાનગી રાખી હતી અને ઇન્દ્રાણી મુખરજી વિદેશથી પરત આવે ત્યાં સુધી ચૂપચાપ રાહ જોઇ હતી. ઇન્દ્રાણી મુખરજીની ધરપકડ બાદ હવે અત્યંત સનસનીખેજ મર્ડર મિસ્ટ્રીના રહસ્યો ફટાફટ ખુલવા લાગ્યા છે. આ હત્યાકાંડમાં કાતિલ તરીકે અત્યારે તો ઇન્દ્રાણી મુખરજીનું નામ જ બહાર આવી રહ્યું છે. એવું કહેવાય છે કે ઇન્દ્રાણી મુખરજીએ પૈસા ખાતર લગ્ન કરીને પોતાનાં જ બાળકોની હત્યા કરવામાં સહેજ પણ ખચકાટ અનુભવ્યો નહોતો, પરંતુ શીનાની હત્યાનું વાસ્તવિક સત્ય શું છે? વાસ્તવિક સત્ય તો હજુ પણ સત્તાવાર રીતે જાહેર થયું નથી.

You might also like