શીના કેસની તપાસ કરી રહેલા મારિયાની બદલી : જાવેદ હશે નવા સીપી

મુંબઇ : હાઇપ્રોફાઇલ શીના બોરા મર્ડર કેસની તપાસ કરી રહેલા મુંબઇનાં પોલીસ કમિશ્નર રાકેશ મારિયાની મંગળવારે બદલી કરી દેવામાં આવી હતી. મંગળવારે મહારાષ્ટ્ર સરકારે તેમની બઢતી સાથે બદલી કરી અને તેમને મહારાષ્ટ્રનાં નવા મહાનિર્દેશક (હોમગાર્ડ) નિયુક્ત કરી દેવામાં આવ્યા છે. મારિયાની બદલીને ઓર્ડર તેમને સોંપી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે મારિયાનાં બદલે ડીજી (હોમગાર્ડ) પદ પર રહેલા અહેમદ જાવેદને મુંબઇનાં નવા પોલીસ કમિશ્નર પદે નિયુક્ત કર્યા છે.

મારિયા મંગળવારે જ જાવેદને કમિશ્નર પદનો ચાર્જ સોંપશે. પ્રદેશનાં ગૃહ સચિવ કે.પી બક્શીએ કહ્યું કે સરકારમાં તહેવારોનું વાતાવરણ ચાલુ થાય તે પહેલા આ કાર્ય પુરૂ કરી દેવા માંગતી હતી. મારિયાનો કાર્યકાળ 30 સપ્ટેમ્બર સુધીનો હતો. તેઓ ડિસેમ્બર 2016માં સેવાનિવૃત થઇ જશે. ગત્ત વર્ષે જ્યારે મારિયાને મુંબઇનાં પોલીસ કમિશ્નર બનાવવામાં આવ્યા હતા ત્યારે વરિષ્ઠ આઇપીએસ અધિકારી જાવેદે હોમગાર્ડનાં પોલીસ મહાનિર્દેશક બનાવવામાં આવ્યા હતો. જો કે તેઓએ આ પદ સ્વિકારવાનાં બદલે લાંબી રજાઓ પર જતા રહ્યા હતા. 

તે સમયે તેમણે મારિયાનાં કમિશ્નર પદનો તેમ કહીને વિરોધ કર્યો હતો કે તે પદ માટે પોતે સૌથી લાયક અને સિનીયર ઓફીસર છે. ઉલ્લેખનીય છે કે હાઇપ્રોફાઇલ શીના બોરા મર્ડર કેસ પર મારિયા પોતે નજર રાખી રહ્યા હતા. તેમણે પોતે કલાકોનાં કલાકો સુધી મુખ્ય આરોપી શીનાની માતા ઇન્દ્રાણી મુખર્જી અને અન્ય આરોપીઓની પુછપરછ કરી હતી. જે લોકોની આ મુદ્દે પુછપરછ કરવામાં આવી તેમાં ઇન્દ્રાણીનાં પુર્વ પતિ સંજીવ ખન્ના અને ડ્રાઇવર શ્યામનો પણ સમાવેશ થાય છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે 1993માં મુંબઇ પોલીસનાં ઇમરજન્સી વિભાગનાં ઉપાયુક્ત રહેતા બાંબેમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટ મુદ્દે આરોપીઓની ભાળ મેળવવામાં મોટી સફળતા પ્રાપ્ત કરી હતી. તેમણે પછીથી ક્રાઇમબ્રાંચમાં મોકલી આપવામાં આવ્યા હતા.2003માં ગેટ વે ઓફ ઇન્ડિયા અને ઝવેરી બજાર બોમ્બ વિસ્ફોટ મુદ્દે પણ તેમણે છ લોકોની ધરપકડ કરી હતી. મુંબઇમાં 26 નવેમ્બર 2008માં થયેલા આતંકવાદી હૂમલાની તપાસનું કામ પણ તેમને સોંપવામાં આવ્યું હતું. આ હૂમલામાં જીવતા પકડાયેલા આતંકવાદી અઝમલ કસાબની તેમણે આકરી પુછપરછ કરી હતી અને તેમની પાસેથી મહત્વની જાણકારીઓ પણ ઓકાવી હતી. 

You might also like