શીતળા સાતમનો મહિમા 

શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ. સાતમ ગુજરાતમાં સુદ અને વદમાં ઊજવાય છે. મહી નદીના આગળના પૂર્વ કાંઠા તરફ શ્રાવણ સુદ સાતમનું વ્રત શીતળા સાતમ તરીકે ઊજવાય છે. તો શ્રાવણ વદ સાતમે પણ બાકીના મનુષ્યો આ વ્રત ઊજવે છે. શીતળા સાતમને ઘણા ટાઢી શેર કહે છે. આ વ્રત કરનાર તમામ મનુષ્યો તથા ગુજરાતમાં લગભગ તમામ ઘરમાં આ વ્રત ઠંડું ખાઇને કરવામાં આવે છે. શીતળા સાતમનો આગલો દિવસ રાંધણ છઠ કહેવાય છે. આ દિવસે પૌષ્ટિક તથા મીઠાં અને ભાવાં ભોજનિયાં ગૃહિણીઓ બનાવે છે, જેને એઠાં કરાતાં નથી. છઠની રાત્રે ગેસ, ચૂલા કે સ્ટવને સ્નાન કરાવી, લૂછી તેની પૂજા કરવામાં આવે છે. તે પછી તેનો ઉપયોગ આઠમની સવાર સુધી કરાતો નથી. છઠના દિવસે જે કાંઇ બનાવ્યું હોય તે બધું સાતમે માતાજીની પૂજા કરી તેમને ધરાવી પછી ખાવાનું હોય છે. આ આખો દિવસ ગેસ, ચૂલો કે સ્ટવ સળગાવાતો નથી. ઠંડાં પાણીથી સ્નાન કરવાનું હોય છે. ચા પણ પીવાતી નથી. ગરમ કોઇ જ વસ્તુનું સેવન કરાતું નથી.

સાતમના દિવસે તળાવની કાળી માટીમાંથી મા શીતળાની મૂર્તિ બનાવવી. તેમની બાજુમાં માટીના એક પિંડા ઉપર કેરડાના કાંટા લગાવવા. માતાજીને પાટલા ઉપર બેસાડી તેમનું વિધિવત્ પૂજન કરવું. કેરડાના કાંટા ઉપર રૂની માળા ચડાવી તેનું પણ પૂજન કરવું. માતાજીને દૂધ, કુલેર ચડાવવાં. શ્રી‍ફળ વધેરવું. તેમને પ્રાર્થના કરવી કે, “હે માતાજી, આજનું આપનું આ વ્રત મારી શક્તિ મુજબ હું કરું છું, જે આપ સ્વીકારશો. તેના પ્રતાપે મારાં સુખ, ઐશ્વર્ય, સુહાગ તથા બાળકોને અખંડ રાખી મને પુષ્કળ સુખ આપજો.” તે પછી તેમની આરતી પૂજા કરવી. તે પછી જમવું, કથા વાંચવી, સાંભળવી.

કથાઃ પ્રાચીન સમયમાં હસ્તિનાપુરમાં ઇન્દ્રઘુમ્ન નામનો રાજા રાજ્ય કરતો તો. તેને એક પુત્રી હતી. તેનું નામ શુભકારી હતું. તે ખૂબ જ નમણી તથા લાવણ્યમયી હતી. તે યુવાન થતાં તેના માતા પિતાએ તેનાં લગ્ન કૌંડિન્યપુરના રાજા સુમિત્રના પુત્ર ગુણવાન સાથે કર્યાં.

ગુણવાન ઉચિત સમયે શુભકારીને તેડવા હસ્તિનાપુર ગયો. રાજા, રાણી તથા પ્રજા શીતળા સાતમનું ખૂબ મહત્ત્વ રાખતા હોવાથી તેમણે શુભકારીને શીતળા સાતમનું વ્રત કર્યા પછી સાસરે મોકલવાનું નક્કી કર્યું. સાતમે શુભકારી શીતળા પૂજન માટે તળાવે ગઇ. તેની સાથે નગરનો બ્રાહ્મણ તથા બ્રાહ્મણી પણ હતાં. રાજકુમારી થોડી આગળ નીકળી ગઇ. તેથી બ્રાહ્મણને તે ક્યાંય દેખાઇ નહીં. બ્રાહ્મણ, બ્રાહ્મણી શુભકારીને શોધતાં હતાં. એટલામાં તે બ્રાહ્મણ મૃત્યુ પામ્યો. બ્રાહ્મણથી વિખૂટી પડેલી બ્રાહ્મણી પતિથી છૂટા પડી રાજકુમારીને શોધતી આગળ ગઇ હતી. આગળ ગયેલી શુભકારીને અચાનક અેક વૃદ્ધા દેખાઇ. તે તેને તળાવે લઇ ગઇ. ત્યાં તેણે શીતળા માની પૂજા કરાવી. રાજકુમારી પૂજા કરીને પાછી વળી ત્યારે રાજકુમારીને શોધવા ગયેલી બ્રાહ્મણીને તેના પતિનું શબ જોવા મળ્યું. તે ત્યાં વિલાપ કરતી હતી. તે વખતે રાજકુમારી ત્યાં પહોંચી. બ્રાહ્મણને મરેલો જોઇ તેણે તેનું શીતળા સાતમનું પુણ્ય બ્રાહ્મણને અર્પણ કર્યું. મૃત્યુ પામેલો બ્રાહ્મણ અચાનક સજીવન થયો. રાજકુમારી, બ્રાહ્મણ, બ્રાહ્મણી પાછાં ફરતાં હતાં તે વેળા ગુણવાન બધાંને શોધતો શોધતો વનમાં ગયો. ત્યાં તેને સાપ કરડતાં તે મૃત્યુ પામ્યો. વનમાંથી પાછાં ફરતાં રાજકુમારી પેલા દંપતીને ગુણવાન મરેલો દેખાયો. રાજકુમારીએ માતાજીનું સ્મરણ કરી થોડું જળ તેના પતિ ઉપર છાંટતાં તે પણ સજીવન થયો. તમામ પ્રસન્ન થઇ ઘેર આવ્યાં. પછી વર્ષો સુધી જીવ્યા ત્યાં સુધી શીતળા સાતમનું પૂજન, વ્રત કરતાં રહ્યાં.

You might also like