શિવસેનાએ ડુંગળીના વધતા ભાવ માટે સરકાર સામે નિશાન તાક્યું

મુંબઈઃ ડુંગળીના આસમાને પહોંચી રહેલા ભાવના મુદ્દે શિવસેનાએ સરકાર સામે નિશાન તાક્યું છે. પક્ષના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખમાં ડુંગળીના વધતા જતા ભાવ પર શિવસેનાએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. શિવસેનાએ તંત્રીલેખમાં લખ્યું છે કે ડુંગળીના વધતા જતા ભાવને કારણે સામાન્ય માનવીનું જીવન સંપૂર્ણપણે તબાહ થઈ રહ્યું છે. જો આ તાંડવ હજુ થોડા વધુ િદવસ ચાલશે તો લોકોને ભૂખ હડતાળ કે આત્મહત્યા કરવી પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડુંગળીના ભાવ છૂટક બજારમાં પ્રતિકિલો રૂ. ૮૦ને વટાવી ગયા છે. સરકાર પાકિસ્તાન અને મિશરથી ડુંગળી આયાત કરવાની યોજના તૈયાર કરી રહી છે, પરંતુ આ કોઈ વધુ સારો ઉકેલ નથી. શિવસેનાએ જણાવ્યું છે કે અનાજ અને દાળના ભાવ પણ ૪૦ ટકા વધી ગયા છે. રૂપિયો સતત ગબડી રહ્યો છે. દેશની આર્થિક હાલત કફોડી બની રહી છે. ડોલરની તુલનાએ રૂપિયો ૬૫ની સપાટી પર પહોંચી ગયો છે અને તેના પરથી તમને દેશની આર્થિક હાલતનો અંદાજ આવી શકશે.

શિવસેનાએ જોકે આ બાબતે કેન્દ્ર સરકારનો બચાવ પણ કર્યો છે અને જણાવ્યું છે કે આ માટે કેન્દ્ર સરકાર જવાબદાર નથી, કારણ કે વરસાદના અભાવે આવું થયું છે. શિવસેનાએ જણાવ્યું છે કે સરકારની એ ફરજ છે કે લોકોને આપવામાં આવેલાં વચનોનો અમલ કરવામાં આવે. આ આપણું કર્તવ્ય છે.

You might also like