શાસ્ત્રીની યોજના પર આજે ‘પાણી’ ફરી વળશે?

728_90

ગાલે : વરસાદની શક્યતાને કારણે ટીમ ઇન્ડિયાના ક્રિકેટ ડિરેક્ટર રવિ શાસ્ત્રીની શ્રીલંકા વિરુદ્ધ આજથી શરૂ થઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં ત્રણ સ્પિનર ઉતારવાની યોજના પર પાણી ફરી વળે તેવી શક્યતા છે. શાસ્ત્રીએ કહ્યું કે, ”હજુ ટીમ મેનેજમેન્ટે પ્લેઇંગ ઈલેવન અંગે કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. પીચ પર કવર્સ ઢંકાયેલાં છે, આથી પીચ કેવી છે એની જાણ ૨૪ કલાક પછી જ જશે.”

ટેસ્ટમેચોમાં ૨૦ વિકેટ લેવાના મહત્ત્વ વિશે શાસ્ત્રીએ કહ્યું કે, ”એ સાચું છે કે ટેસ્ટ જીતવા માટે વિપક્ષી ટીમની ૨૦ વિકેટ લેવી પડશે. એ સ્થિતિ સુધી પહોંચવા માટે દરેક ટીમ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા ઇચ્છતી હોય છે, પરંતુ ટીમની જીત માટે સારી બેટિંગ પણ એટલી જ જરૂરી છે.”શાસ્ત્રી જ્યારે મીડિયા સાથે વાત કરી રહ્યો હતો ત્યારે જ વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે થોડા-ઘણા વરસાદની શક્યતા છે.

…તો ટીમ ઇન્ડિયા રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી શકેઆજથી શરૂ થઈ રહેલી ટેસ્ટ શ્રેણીને ટીમ ઇન્ડિયા જો ૩-૦થી જીતી  લે તો તે આઇસીસી વન ડે રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી શકે છે. જોકે અહીં શરત એક જ છે કે એશીઝ શ્રેણીની અંતિમ ટેસ્ટ ઓસ્ટ્રેલિયાએ જીતવી પડે. આઇસીસીએ એક નિવેદનમાં કહ્યું છે કે પાંચમા નંબરની ટીમ ભારત જાણે છે કે ૩-૦ની જીત તેને રેન્કિંગ ટેબલમાં ઉપર પહોંચાડી દેશે અને વર્તમાન એશીઝ શ્રેણીના અંતિમ પરિણામ બાદ ત્રીજા સ્થાને પહોંચી શકે છે. શરત એક જ છે કે ઓસ્ટ્રેલિયા એશીઝ શ્રેણીની અંતિમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવી દે. ભારત જો ૨-૧થી શ્રેણી જીતે તો તેને ત્રણ પોઇન્ટનો ફાયદો થશે.

સાતમા નંબરની ટીમ શ્રીલંકા જો ભારતને ૩-૦થી હરાવી દે તો તેને આઠ રેન્કિંગ પોઇન્ટનો ફાયદો મળશે અને તે પાંચમા સ્થાને પહોંચી જશે, જ્યારે ભારતના ૮૯ પોઇન્ટ રહી જશે. યજમાન ટીમ જો ભારત સામે ૨-૧થી જીત હાંસલ કરશે તો તેને ચાર પોઇન્ટનો ફાયદો થશે અને કોહલીની ટીમને પછાડીને પાંચમા નંબરનું સ્થાન હાંસલ કરી લેશે. આ શ્રેણીમાં ભારતીય બેટ્સમેનો મુરલી વિજય (૨૧મું સ્થાન), અજિંક્ય રહાણે (૨૨) અને ચેતેશ્વર પૂજારા (૨૫)ને રેન્કિંગમાં સુધાર કરવાની તક મળશે, જ્યારે શ્રીલંકાના કૌશલ સિલ્વા (૩૦મું સ્થાન), દિમુથ કરુણારત્ને (૩૨) અને દિનેશ ચાંદીમલ (૪૫)ની નજર પણ રેન્કિંગ સુધારવા પર ટકેલી હશે.

You might also like
728_90