શહેરમાં વરસાદનાં હળવાં ઝાપટાં પડવાથી વાતાવરણ ખુશનુમા થયું  

અમદાવાદ: અમદાવાદમાં ગઇ કાલે રાત્રે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડ્યો હતો તો આજે સવારે પણ વરસાદી છાંટા પડવાથી સમગ્ર શહેરનું વાતાવરણ ખુશનુમા થયું હતું.

તા. ૨૪થી ૨૮ જુલાઇની વચ્ચે અમદાવાદ સહિત ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છને મેઘરાજાએ રીતસરનાં ધમરોળી કાઢ્યાં હતાં. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં મેઘતાંડવથી ભારે ખાનાખરાબી સર્જાઇ હતી, જોકે ત્યાર બાદ સમગ્ર ગુજરાતને વરસાદે હાથતાળી આપી છે. છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ હજુ પણ સંતોષજનક વરસાદ નથી.

ગુજરાતભરમાં ખેડૂત વર્ગ મોટા પાયે વાવણી કરીને બેઠો છે અને ચાતકડોળે આકાશ તરફ મીટ માંડીને મેઘમહેરની રાહ જોઇ રહ્યો છે. જો આ અઠવાડિયામાં વરસાદ નહીં પડે તો ખેડૂતોનું આખું વર્ષ બરબાદ  થતાં ખેડૂતો પાયમાલ થશે, જેના કારણે અત્યારે સર્વત્ર ચિંતાનો માહોલ જોવા મળે છે. અમદાવાદની વાત કરીએ તો શહેરમાં પણ લાંબા સમયથી વરસાદના વિરામથી લોકો અકળાયા હતા, જોકે ગઇ કાલે રાત્રે વાતાવરણ અચાનક પલટાયું હતું. હવામાન વિભાગે હળવા વરસાદની આગાહી કરી છે.

You might also like