વૈશ્વિક બજારમાં સોનામાં સપ્તાહમાં બે ટકાનો ઉછાળો

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય બજારમાં ભલે સાધારણ નરમાઇ નોંધાઇ હોય, પરંતુ સ્થાનિક બજારમાં રૂપિયો વધુ નબળો પડતાં ઊંચી આયાત પડતરે સોના અને ચાંદીમાં વધુ સુધારા તરફી ચાલ નોંધાઇ છે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ૧૧૧૨ ડોલર પ્રતિઔંસની સપાટીએ ટ્રેડિંગમાં જોવાયું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં સપ્તાહમાં બે ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે આ આગળ સળંગ સાત સપ્તાહમાં વૈશ્વિક બજારમાં સોનામાં નરમાઇ તરફી ચાલ નોંધાઇ હતી કે જે ૧૯૯૯ બાદ સૌથી લાંબી સાપ્તાહિક નરમાઇ તરફી ચાલ હતી.દરમિયાન ડિસેમ્બર વાયદાનો ભાવ પણ ૦.૨ ટકાના સુધારે ૧૧૧૩ ડોલર પ્રતિઔંસની સપાટીએ જોવાયો હતો. બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ચીને યુઆનનું અવમૂલ્યન કર્યું છે, જેના કારણે અમેરિકા વ્યાજદરમાં વધારો કરવાના નિર્ણયમાં વિલંબ કરી શકે છે અને તેના કારણે તેનો સીધો ફાયદો સોના-ચાંદીના બજાર ઉપર જોવાય તેવા સેન્ટિમેન્ટ પાછળ વૈશ્વિક બજારમાં સુધારો નોંધાયો છે. ચીને યુઆનનું અવમૂલ્યન કરતાં સલામત રોકાણ તરીકે ફરી એક વાર સોનાની ખરીદી જોવાતાં સોનામાં સુધારા તરફી ચાલ નોંધાઇ છે.
You might also like