વૈભવ આપનાર અજા એકાદશી

દશમના દિવસે બપોર પછી કાંઈ જમવું નહીં. સાંજે ભૂખ લાગે તો જ ફળાહાર કરવો. અગિયારશે સવારે વહેલા ઊઠી પ્રાતઃકર્મો પતાવી દેવસેવા – વિષ્ણુસેવા કરી લેવાં. તે પછી ભગવાન વિષ્ણુ આગળ સંકલ્પ મૂકી તેમને કહેવું કે, ”હે કમલનયન, સઘળાં પાપોથી મુક્ત થઈ મોક્ષ પામવા તથા આ જન્મમાં સાંસારિક સુખ ભોગ માટે હું આપનું આ વ્રત કરું છું, જે આપની કૃપાથી પાર પડો.” તે પછી તેમની સમક્ષ ધૂપ દીપ કરી વિષ્ણુસહસ્રનામનો પાઠ કરવો. તેમની આરતી કરી તેમને પ્રસાદ ધરાવવો. તે પછી તાંબાના લોટામાં સ્વચ્છ જળ ભરી તેમાં ચપટી અક્ષત પધરાવી, એક પીળું પુષ્પ પધરાવી તેમાં હળદર અથવા ચંદન ભેળવી તે તામ્રકશળ લઈ નજીકમાં જ્યાં પીપળો હોય ત્યાં જઈ પીપળા સ્વરૂપી ભગવાન વિષ્ણુને તે જળ ચડાવવું. ત્રણ પ્રદક્ષિણા ફરવી. પ્રદક્ષિણા વખતે ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’નો જાપ કરવો. શક્ય હોય તો ત્યાં ધૂપ-દીપ કરી વિષ્ણુસહસ્ત્રનો પાઠ કરવો. તે પછી પીપળાસ્વરૂપી ભગવાનને પગે લાગી મનમાં દ્વાદક્ષરી જાપ જપતાં જપતાં ઘેર આવવું. ઘરકામ કરવાં. બપોરે બહુ ભૂખ લાગેે તો જ દૂધ કે ફળાહાર કરવો. સાંજે ભગવાન સમક્ષ ધૂપ દીપ કરી વિષ્ણુસહસ્ત્રનો પાઠ કરવો. આખો દિવસ ઉપરના જાપ મનમાં જપવા. મધ્યરાત્રી સુધી જાગરણ કરવું. તે પછી કંબલશયન કરવું. બીજે દિવસે કે ત્રીજે દિવસે જ્યારે પ્રદોષ હોય ત્યાં સુધી માત્ર ફળાહાર કરવો. તે પછી પ્રદોષ વખતે ભગવાનને પગે લાગી આ થઈ અગિયારશ કરવાની સાચી રીત. આ રીતે કરેલી અગિયારશથી તમામ મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. ભગવાનને આ એકાદશીએ ખારેક ખાસ ધરાવવી.

કથાઃ પહેલાંના સમયમાં હરિશ્ચંદ્ર નામનો પ્રતાપી રાજા રાજ્ય કરતો હતો. તે સત્યવ્રતી હતો. કર્મસંજોગે તે ભ્રષ્ટ થયો. સ્ત્રી તારામતી પુત્ર રોહિતને વેચી સત્યનું પાલન કરતો હતો. ચાંડાલને ત્યાં દાસ થઈ રહ્યો.  આમ કરતાં કેટલાંક વર્ષ વીતી ગયાં. આવી સ્થિતિથી તે ત્રાસ પામી ગૌતમ મુનિ પાસે ગયો. તેમને બધી હકીકત કહી સંભળાવી. તેથી ગૌતમ મુનિએ તેને સત્યવાદી હરિશ્ચંદ્ર રાજા જાણી શ્રાવણ માસની વદ અજા એકાદશી કરવા તેને કહ્યું. આથી અગિયારશ કરવાની સાચી રીત ઉપર મુજબ તેને બતાવી. જ્યારે શ્રાવણ વદ અજા એકાદશી આવી ત્યારે રાજાએ ગૌતમ મુનિના કહેવા મુજબ અગિયારશ સંપૂર્ણ શ્રદ્ધાથી કરી. તેથી તેનાં તમામ પાપનો નાશ થયો.

આ વ્રતના પ્રભાવથી ઘણાં વર્ષો ભોગવવાનાં તેનાં દુઃખ દૂર થયાં. તેથી તેનો કસોટીકાળ પણ પૂરો થયો. એક દિવસ તેને તેની પત્ની તારામતી મળી. તેનો મરી ગયેલો પુત્ર રોહિત પણ જીવતો થઈ તેને મળ્યો. તે વખતે આકાશમાં ઢોલ-નગારાં વાગ્યાં. વળી, વ્રતના પ્રભાવથી તેનું ગયેલું રાજ્ય તેને પાછું મળ્યું. અંતે તે રાજા વ્રતના પ્રભાવે સપરિવાર વૈકુંઠમાં ગયો. અજા એકાદશીનું આ વ્રત જે કોઈ કરે છે તે ગંગાજીમાં સ્નાન કરવા બરાબર પવિત્ર થાય છે. તેનાં બધાં જ પાપ બળી જાય છે. તે નિઃષ્પાપ થાય છે. આ કથાના શ્રવણથી કે પાઠ કરવાથી અથવા આ એકાદશી કરવાથી મનુષ્ય ખૂબ પુણ્યશાળી બને છે એટલું જ નહીં, તે પુણ્યવંત બનતા તે લક્ષ્મીવાન બની આ જગતનાં તમામ સુખ ભોગવવા શક્તિમાન પણ બને છે. તેને અશ્વમેધ યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. 

– શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

 

You might also like