વેટ ડિપાર્ટમેન્ટે જીએસટીની તૈયારીઓ શરૂ કરી દીધી

અમદાવાદઃ રાજ્યના કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટે આગામી દિવસોમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની અમલવારી સંબંધે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બિલ લોકસભામાં પસાર થઇ ગયું છે. હવે રાજ્યસભામાં પસાર થવાનું બાકી છે. સરકારે આગામી એપ્રિલ-૨૦૧૬માં જીએસટી અમલમાં આવશે તેની જાહેરાત કરી દીધી છે. દરમિયાન રાજ્યના કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટે આગામી દિવસોમાં જીએસટી અમલમાં આવે તો સુચારુ રૂપથી તેની અમલવારી થાય તે માટે ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ-ઇડીપી સેલને સક્રિય કરી દીધો છે તથા રાજ્યના રજિસ્ટર્ડ ડીલર્સના ટિન નંબરોનું ક્રોસ વેરિફિકેશન કાર્ય હાથ ધર્યું છે તથા તેમાં જરૂરી ખૂટતી વિગતો પણ મગાવવાની પ્રક્રિયા હાથ ધરી છે.બીજી બાજુ  ડીલર્સના પાન નંબરનું વેરિફિકેશન નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ-એનએસડીએલમાં હાથ ધરાયું છે. વેટ ડિપાર્ટમેન્ટે મોટા ભાગની ટેક્સ સંબંધિત કામગીરી ઓનલાઇન કરી દીધી છે. છેલ્લે ૪૦૨-૪૦૩ના ફોર્મ પણ ઓનલાઇન કર્યાં છે, જેને ત્રણ મહિનાનો સમય વીતી ગયો છે. ડિપાર્ટમેન્ટે ખાસ કોઇ મોટી અડચણ વગર તેની અમલવારી કરી છે. હવે જ્યારે જીએસટી બિલ અમલમાં આવે ત્યારે રાજ્યના વેપારીઓને આ સંબંધે કોઇ મોટી મુશ્કેલી ઊભી ન થાય તે માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
You might also like