વેચવાલી વચ્ચે સેન્સેક્સ ૩૦૮ પોઈન્ટ ઘટી ૨૫૦૦૦થી નીચે

મુંબઇ : શેરબજારમાં આજે સતત છઠ્ઠા સેશનમાં મંદીનું મોજું રહ્યું હતું. આની સાથે જ સેન્સેક્સ ૨૫ હજારથી પણ નીચી સપાટીએ પહોંચી ગયો હતો. રૃપિયામાં ભારે અફડાતફડી અને ચીનમાં વિકાસની ગતિને લઈને ચિંતાના લીધે રોકાણકારો ચિંતિત દેખાયા હતા. વધુમાં વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણકારોએ ઊંચી સપાટી પર વેચવાલી જારી રાખી હતી. નબળા મોનસૂની આગાહીની સીધી અસર બજાર ઉપર જોવા મળી હતી. બેકિંગ શેરમાં સૌથી વધુ ચિંતા જોવા મળી હતી.

બેઝ રેટમાં કાપથી નુકશાન થઈ શકે છે તેવી ચિંતા દેખાઈ રહી હતી. બીજીબાજુ નબળો પડતો રૃપિયા ૬૭ની સપાટી તરફ આગળ વધી રહ્યો છે. આજે સેન્સેક્સ કારોબારના અંતે ૩૦૮  પોઈન્ટ ઘટીને ૨૫ હજારથી પણ નીચી સપાટીએ રહ્યો હતો અને સેન્સેક્સ ૨૪૮૯૪ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી ૯૬ પોઈન્ટ ઘટીને ૧૩ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટીની સપાટી ૭૫૫૯ નોંધાઈ હતી. બ્રોડર માર્કેટમાં મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં મંદી રહી હતી.

બન્નેમાં ૧.૮-૨.૨ ટકાનો ઘટાડો રહ્યો હતો. માર્કેટબ્રીડ્થ નકારાત્મક જોવા મળી હતી. ૧૯૮૪ શેરમાં મંદી અને ૬૯૧ શેરમાં તેજી રહી હતી. ચીનમાં ૨૦૧૪માં તેના વાર્ષિક આર્થિક વિકાસદરનો આંકડો ૭.૩ ટકા રહ્યો છે. જે અગાઉ ૭.૪ ટકા હતો.નેશનલ બ્યુરોના આંકડામાં આ મુજબની વાત કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનામાં અમેરિકી જોબ આંકડા ૫ મહિનાની નીચી સપાટીએ રહ્યા છે. તમામ સેક્ટરલ ઈન્ડેક્સ આજે મંદીમાં રહ્યા હતા. મેટલ અને હેલ્થકેર ઈન્ડેક્સમાં સૌથી વધુ નુકસાનની સ્થિતિ રહી હતી.

મેટલના વિશ્વના સૌથી મોટા ગ્રાહક ગણાતા ચીનમાં આર્થિક મંદી ભારે ચિંતા ઉપજાવે તેવી રહી છે. જિંદાલ સ્ટીલ, એનએમડીસી, વેદાંતા, હિન્દાલ્કો, તાતા સ્ટીલમાં ૧.૪-૪.૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. હેલ્થકેરના શેરમાં ઊંચી સપાટી પર નફો લેવાની સ્થિતિ રહી હતી. ડોક્ટર રેડ્ડીમાં ૨.૮ ટકાનો ઘટાડો રહ્યો હતો. ઈન્ડેક્સ હેવીવેઈટ આઈટીસીમાં ૧.૨ ટકાનો ઘટાડો રહ્યો હતો. જ્યારે એલએન્ડટીમાં ૧.૯ ટકાનો ઘટાડો રહ્યો હતો. આજે શેરબજારમાં ભારે અફડાતફડીનો દોર શરૃઆતથી જ જોવા મળ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે શેરબજારમાં છેલ્લા કારોબારી સેશનમાં તીવ્ર કડાકો બોલી ગયો હતો. શુક્રવારના દિવસે કારોબારના અંતે સેન્સેક્સ ૫૬૩ પોઈન્ટ ઘટીને ૨૫૨૦૨ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૬૮ પોઈન્ટ ઘટીને ૭૬૫૫ની સપાટીએ રહ્યો હતો. તીવ્ર વેચવાલીનું મોજું શુક્રવારે ફરી વળ્યું હતું. જેથી સેન્સેક્સ ૧૩ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. વૈશ્વિક શેરબજારમાં પણ  મંદીનું મોજું ફરી વળ્યું હતું. બ્રોડર માર્કેટમાં પણ અફડાતફડી રહી હતી.

બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૧.૯-૨.૫ ટકા વચ્ચેનો ઘટાડો નોંધાયો હતો. માર્કેટબ્રીડ્થ પણ નકારાત્મક રહી હતી. શુક્રવારે કારોબાર દરમિયાન ૨૧૧૫ શેરમાં મંદી રહી હતી. જ્યારે ૫૭૭ શેરમાં તેજી રહી હતી. બીજા બાજુ ડોલર સામે રૃપિયામાં છેલ્લા કારોબારી સેસનમાં ભારે અફડાતફડી જોવા મળી હતી. કારોબારના અંતે ડોલર સામે રૃપિયો ૬૬.૪૯ની સપાટીએ રહ્યો હતો.

You might also like