વીવીઆઈપીઓની યાદીમાંથી આખરે વાડરાનું નામ હટાવાયું

નવી દિલ્હીઃ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડરાનું નામ આખરે એવા ખાસ મહેમાનો અને વિશેષ લોકોની યાદીમાંથી દૂર કરી દેવામાં આવ્યું છે જે લોકોને વિમાની મથક ઉપર ચકાસણીથી દૂર રાખવામાં આવે છે. ટૂંકમાં આ લોકોની ચકાસણી વિમાની મથકે કરવામાં આવતી નથી. વીવીઆઈપી લોકોની યાદીમાંથી તેમનું નામ દૂર કરવામાં આવ્યા બાદ હવે તેઓ કોઈપણ એસપીજી સુરક્ષાવાળી વ્યક્તિની સાથે યાત્રા કરવાની સ્થિતિમાં પણ વિમાની મથકે તેમની ચોક્કસપણે ચકાસણી કરવામાં આવશે. 

કોંગ્રેસના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ આ અંગેની વાત કરતા કહ્યું છે કે, તેમની વારંવાર રજૂઆત બાદ તેમનું નામ આ યાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે. બીજીબાજુ આ નિર્ણય અંગે ખુશી વ્યક્ત કરતા રોબર્ટ વાડરાએ કહ્યું છે કે તેમનું નામ વીવીઆઈપીમાંથી દૂર કરવામાં આવ્યા બાદ હવે વિવાદનો અંત આવી જશે તેવી આશા તેઓ રાખે છે. બીજીબાજુ કેન્દ્રીય ઉડ્ડીયન પ્રધાન મહેશ શર્માએ કહ્યું છે કે, રોબર્ટ વાડરા પોતે ઈચ્છતા હતા કે તેમનું નામ વીવીઆઈપી યાદીમાંથી દૂર કરવામાં આવે. આવી સ્થિતિમાં અમારી પાસે અન્ય કોઈ જ વિકલ્પ રહ્યા નહતા. 

જોકે તેમણે કહ્યું હતું કે, જો તેઓ તેમનું નામ દૂર કરવા ઈચ્છતા હતા તો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવાના બદલે પત્ર લખીને રજૂઆત કરી શક્યા હોત.  રોબર્ટ વાડરાને વિમાની મથક ઉપર ચકાસણીમાંથી રાહત મળ્યા બાદ આને લઈને ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા હતા. વાડરાએ સોમવારના દિવસે ફેસબુક પોસ્ટ મારફતે સરકારને વીવીઆઈપી લિસ્ટમાંથી તેમનું નામ દૂર કરવા કહ્યું હતું. 

તેઓએ આ પોસ્ટ મારફતે સરકાર ઉપર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, તેમના નામને દૂર કરવામાં આવે તેમ તેઓ ઈચ્છે છે.  તેઓ હવે વધુ રાહત અનુભવી રહ્યા છે.  આજે સરકારે તેમનું નામ વીવીઆઈપી લોકોની યાદીમાંથી દૂર કર્યું હતું.  એક સમગ્ર પ્રક્રિયાના ભાગરૂપે આ કવાયત હાથ ધરાઈ હતી. વાડરા ગૃહ મંત્રાલયને પત્ર લખીને પણ વિનંતી કરી શક્યા હોત. ત્યારબાદ ગૃહ મંત્રાલય દ્વારા પત્ર નાગરિક ઉડ્ડીયન સેક્રેટરીને મોકલી દેવામાં આવે છે. એનડીએ સરકાર આ યાદીમાંથી વાડરાનું નામ દૂર કરવાની શરૂઆતથી જ વાત કરી રહી હતી. ગયા વર્ષે આ સરકાર સત્તામાં આવ્યા બાદથી તેમનું નામ દૂર કરવાને લઈને અટકળો ચાલી રહી હતી. લોકસભાની ચુંટણી દરમિયાન રોબર્ટ વાડરાનો મુદ્દો જોરદાર રીતે ચગાવાયો હતો. હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી દરમિયાન વાડરાના મુદ્દાને ઉઠાવીને કોંગ્રેસની તકલીફો વધારી હતી.  

કોંગ્રેસ તરફથી હજુ સુધી આ અંગે કોઈ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પરંતુ આવનાર દિવસોમાં આ મુદ્દો ઉઠાવવામાં આવી શકે છે. બિહાર વિધાનસભાની ચુંટણી નજીક હોવાથી ચુંટણીમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવી શકે છે. જોકે, આની સામે કોંગ્રેસના નેતાઓ આક્ષેપબાજીનો દોર કરવાથી હાલમાં બચી રહ્યા છે. કારણકે રોબર્ટ વાડરાએ પોતે આ અંગે ફેસબુક ઉપર ઈચ્છા વ્યક્ત કરી હતી. ભાજપ તરફથી હજુ સુધી આ અંગે કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

 

You might also like