વિશ્વામિત્રીનું પુરાણ-સમાધિ તોડાતા વિવાદ

વડોદરા ; શહેરના સમા-સંજયનગર ખાતે આવેલ ઝૂંપડપટ્ટી તોડી નાંખી મુખ્યમંત્રી આવાસ યોજના લોકભાગીદારીથી બનાવી તેમાં  ઝૂંપડાવાસીઓને મકાનો ફાળવી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ અંગેનો કોન્ટ્રાકટ પણ આપી દેવામાં આવ્યો છે. આ કોન્ટ્રાકટર દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે ત્યારે વિશ્વામિત્રી નદીનું પુરાણ થતું હોવાની અને વિશ્વામિત્રી નદી કિનારે આવેલી કેટલીક ઐતિહાસિક અને પૌરાણિક સમાધિઓને તોડવાની કામગીરી આ કોન્ટ્રાકટર દ્વારા હાથ ધરવામાં આવતા વિવાદ ઉભો થયો હતો.

સાધુ-સંતો મોટી સંખ્યામાં સ્થળ પર આવી જઇને આ કામગીરી અટકાવવાની ફરજ પાડવામાં આવી હતી. આમ મુખ્યમંત્રી આવાસ યોજના બનાવવાના બહાને ઐતિહાસિક સમાધિઓ તોડવાના મુદ્દે વિવાદ ઉભો થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર શહેરમાંથી સર્પાકાર સ્વરૂપે પસાર થતી વિશ્વામિત્રી નદીના ઓવારા પર ૨૫૦ ઉપરાંત સાધુ-સંતોની ઐતિહાસિક અને પૌરાણિક સમાધિઓ આવેલી છે તે અંગેની સમગ્ર વિગતો જાગૃત નાગરિક સંજય રમેશભાઇ સોની દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવેલ છે.

વિશ્વામિત્રી રીવરફ્રન્ટની કામગીરી દરમિયાન આ સમાધિઓ તેમજ વિશાળ ઘાટ અને ઓવરાને કોઇ જ નુકસાન ન થાય અને વડોદરાની અસ્મિતા જળવાઇ રહે તે રીતે રીવરફ્રન્ટની કામગીરી કરવા રજૂઆત કરવામાં આવી હતી. જે તે સમયે મુખ્યમંત્રી દ્વારા આ અંગે પાલિકાના વહીવટી તંત્રને આ અંગેની સૂચનાઓ પણ આપવામાં આવી હતી. આવા સ્થાપત્યોને નુકસાન ન થાય તે રીતે કામગીરી કરવાના સૂચનો પણ કરવામાં આવ્યા હતા.

હાલમાં સમા-સંજયનગર ખાતે મુખ્યમંત્રી આવાસ યોજનાની કામગીરી ચાલી રહી છે ત્યારે આ મેદાનની પાછળના ભાગે આવેલ ચારથી પાંચ પૌરાણિક સમાધિઓને તોડવાની કામગીરી કોન્ટ્રાકટર દ્વારા હાથ ધરવામાં આવતાં  આ અંગેની જાણ સાધુ-સંતોને થતાં મોટી સંખ્યામાં સાધુ-સંતો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને કોન્ટ્રાકટર દ્વારા તોડવામાં આવી રહેલી સમાધિઓને તોડતા અટકાવ્યા હતા. આ મામલે ભારે વિવાદ ઉભો થયો હતો અને પાલિકા તંત્ર સામે સાધુ-સંતો દ્વારા ભારે આક્રોશ વ્યકત કરવામાં આવ્યો હતો.

ભારે સૂત્રોચ્ચાર અને કોન્ટ્રાકટરના માણસો સાથે સાધુ-સંતો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી દ્વારા શહેરને ઝુંપડપટ્ટી મુકત કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહયું છે તો બીજી તરફ શહેરમાં આવેલા પૌરાણિક અને ઐતિહાસિક સ્થાપત્યોની તોડફોડ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે સાધુ સંતોએ ભારે રોષ વ્યકત કર્યો હતો. રીવર ફ્રન્ટની કામગીરી દરમિયાન પણ ઓવરા, વાવ અને શિલ્પોની જાળવણી કરવાની મુખ્યમંત્રી દ્વારા ખાતરી આપવામાં આવ્યા બાદ પણ મુખ્યમંત્રી આવાસ યોજનાના બાંધકામ દરમિયાન પૌરાણિક અને ઐતિહાસિક સમાધિઓની તોડફોડનું કાર્ય કરવામાં આવતા આ વિસ્તારમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. આ સાથે વિશ્વામિત્રી નદીનું પુરાણ પણ થઇ રહયું હોવાની કેફીયત નાગરિકો દ્વારા કરવામાં આવી છે. આ મુદ્દો આગામી દિવસમાં વધુ વિવાદમાં આવે તેવી શકયતાઓ હાલના તબક્કે જણાઇ રહી છે.

You might also like