વિવિધ નાની બચત યોજનાઓને બેંક થાપણ સાથે જોડવાની તૈયારી

નવીદિલ્હી : પીપીએફ અને પોસ્ટ ઓફિસ ડિપોઝિટ જેવી નાની બચતની યોજનાઓ ઉપર વ્યાજદરને ટૂંક સમયમાં જ બેંક ડિપોઝિટ સાથે જોડી દેવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. આર્થિક બાબતોના સેક્રેટરી શક્તિકાંત દાસે માહિતી આપતા કહ્યું છે કે, આ દિશામાં હિલચાલ ચાલી રહી છે. નાની બચતની સ્કીમ ઉપર વ્યાજદરોને વારંવાર સુધારવા અને સમીક્ષા કરવા માટેની રૂપરેખા ઉપર પહોંચવા માટે જુદા જુદા વિકલ્પો ઉપર ચર્ચા ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે, વ્યાજદરોને નક્કી કરવાની નીતિ પણ તૈયાર થઇ રહી છે.

એક નવી નીતિ ઉપર વિચારણા ચાલી રહી છે. સરકાર હાલમાં સરકારી સિક્યુરિટી ઉપર રિટર્નનો નાની બચતની સ્કીમ માટે રેટ નક્કી કરવા વાર્ષિકરીતે ઉપયોગ કરે છે. મોટી સંખ્યામાં બેંકો દ્વારા નાની બચત ઉપર વ્યાજદરોમાં ઘટાડો કરવાની માંગ કરવામાં આવે છે. કારણ કે, ઉંચા વ્યાજદરના પરિણામ સ્વરૂપે બેંકોની ફિક્સ્ડ ડિપોઝિટ સામે તકલીફો થઇ રહી છે. આ સ્કીમો ઉપર ઉંચા વ્યાજદરના કારણે ઘણી અડચણો આવી રહી છે.

સ્થાનિક કાળા નાણાના ફેલાવાને રોકવાના હેતુસર સરકાર એક મર્યાદા બાદ રોકડ ખર્ચ માટે પાનને ફરજિયાત બનાવવાની દિશામાં વિચારણા કરી રહી છે. નાણામંત્રી અરૂણ જેટલીએ આજે આ મુજબનો સંકેત આપ્યો હતો. જેટલીએ ફેસબુક પોસ્ટમાં કહ્યું હતું કે, સરકાર ચોક્કસ મર્યાદા કરતા પણ વધુ પ્રમાણમાં રોકડમાં લેવડ દેવડ કરવામાં આવી રહી છે તો આવી સ્થિતિમાં પાન કાર્ડની વિગતો જમા કરાવવાની બાબતને ફરજિયાત કરવા વિચારી રહી છે. તેમણે કહ્યું હતું કે, આ સમગ્ર પ્રક્રિયા હાલમાં પ્રાથમિક તબક્કામાં છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, ઇન્કમટેક્સ વિભાગની નિરીક્ષણની વ્યવસ્થાને મજબૂત કરવામાં આવી ચુકી છે. માહિતી એકત્રિત કરવાની તેની ક્ષમતા અને કરચોરીને રોકવા માટેના તેના પ્રયાસો ઝડપી કરવામાં આવ્યા છે. જેટલીએ કહ્યું હતું કે, મોટાપ્રમાણમાં રોકડ લેવડદેવડ અને ઉપાડ શોધી કાઢવાની તેની ક્ષમતા છે. રોકડ લેવડ દેવડ પર નજર રાખવામાં આવશે. જેટલીએ કહ્યું હતું કે, જીએસટીની વ્યવસ્થા એક વખતે અમલી બની ગયા બાદ સિમાચિન્હરૂપી પગલું રહેશે.

જેટલીએ એમ પણ કહ્યું હતું કે, કસ્ટમ ડ્યુટીની ચુકવણી કરવામાં આવ્યા બાદ નિકાસકાર દ્વારા પ્રાથમિકરીતે સોનાની ખરીદી કરવામાં આવે છે. મોટાભાગે આવી લેવડ દેવડ રોકડમાં કરવામાં આવી છે. સોના જેવી કોમોડિટી માટે આ પ્રકારની ચકાસણી પ્રક્રિયા સરળ બની જશે. વર્ષ ૨૦૧૫-૧૬ માટેના બજેટમાં નાણામંત્રી અરૂણ જેટલીએ એક લાખથી ઉપરની ખરીદી અને તમામ વેચાણ માટે પરમાનન્ટ એકાઉન્ટ નંબર (પાન)ને ફરજિયાત બનાવી દેવાની દિશામાં વાત કરી હતી.

જેટલીએ કહ્યું હતું કે, એક લાખથી ઉપરની કિંમતની કોઇપણ ખરીદી અથવા તો વેચાણ માટે પાનને ફરજિયાત કરવામાં આવનાર છે. થર્ડ પાર્ટી રિપોર્ટિંગને પણ વિદેશી ચલણ વેચાણ અંગે માહિતી આપવી પડશે જેથી સરકારને જુદા જુદા લોકો તરફથી માહિતી મળી શકશે. હાલમાં ધારાસભ્યો, સાંસદો, વેપાર અને ઉદ્યોગ જગતની સંસ્થાઓ, આર્થિક નિષ્ણાતો તરફથી રજૂઆતો મળી ચુકી છે.

એક લાખથી ઉપરની ખરીદી અથવા તો વેચાણ માટે પાન રજૂ કરવાની બાબતને ફરજિયાત બનાવવાના સંદર્ભમાં માહિતી મળી ચુકી છે. જેટલીએ કહ્યું હતું કે, મોટા પ્રમાણમાં કાળાના હજુપણ ભારતમાં છે પરંતુ અમને રાષ્ટ્રીય વલણ બદલવાની જરૃર છે. સરકાર પ્લાસ્ટિક ચલણની દિશામાં આગળ વધી રહી છે.

You might also like