વિમાનનું ટાયર ફાટતાં ઝારખંડના સીએમ અને ૧૫૪ પ્રવાસીઓનો આબાદ બચાવ

રાંચીઃ દિલ્હીથી રાંચી આવી રહેલું ગો એરવેઝનું વિમાન ગુરુવારે સાંજે દુર્ઘટનાગ્રસ્ત થવાથી આબાદ રીતે બચી ગયું હતું. આ વિમાનમાં ઝારખંડના મુખ્યપ્રધાન રઘુવરદાસ અને તેમની સાથે અન્ય ૧૫૪ યાત્રીઓ સવાર હતા. 

સાંજે ૭.૩૦ કલાકે વિમાન જેવું રન વે પર લેન્ડ થયું કે વિમાનનું પાછલું ટાયર જોરદાર ધડાકા સાથે ફાટી ગયું હતું. આઠ પૈડાવાળું આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા બચી ગયું હતું અને પોતાના નિર્ધારિત સ્થળે રોકાઈ ગયું હતું.

રન વે પર વિમાનના લેન્ડિંગ વખતે આ રીતે અચાનક ટાયર ફાટતાં બે ઘડી વિમાન પ્રવાસીઓના જીવ અદ્ધર થઈ ગયા હતા. વિમાની મથકે અફરાતફરી મચી ગઈ હતી. સદ્નસીબે મોટી દુર્ઘટના નિવારાતા વિમાનમાં સવાર ઝારખંડના મુખ્યપ્રધાન રઘુવરદાસ અને અન્ય ૧૫૪ યાત્રીઓનો આબાદ બચાવ થયો હતો.

વિમાનમાં મુખ્યપ્રધાન હોવાની જાણ થયા બાદ રાંચી એરપોર્ટ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. એરપોર્ટના કર્મચારીઓ અને ગ્રાઉન્ડ સ્ટાફે તાબડતોબ વિમાનને કોર્ડન કરીને મુખ્યપ્રધાન સહિત તમામ પ્રવાસીઓને સહીસલામત બહાર ઉતાર્યા હતા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ગો એર વિમાનનું એરપોર્ટ પર ઉતરાણ થતા જ પાછળનું ટાયર ફાટી ગયું હતું, પરંતુ તમામ યાત્રીઓ સુરક્ષિત છે.

You might also like