વિન્ડોઝ-૧૦ ઓપરેટિંગ સિસ્ટમ ભારત સહિત અનેક દેશોમાં લોન્ચ

ન્યૂયોર્કઃ માઈક્રોસોફ્ટ કંપનીએ પોતાની નવી ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ-૧૦ આજે ભારત સહિત અનેક દેશોમાં વાજતે-ગાજતે લોન્ચ કરતાં કમ્પ્યૂટર સિસ્ટમમાં એક ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. માઈક્રોસોફ્ટે જણાવ્યું હતું કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ એક યુનિક સિસ્ટમ છે, જેનો એકસાથે કમ્પ્યૂટર, ટેબ્લેટ, સ્માર્ટ ફોન્સ, એક્સ બોક્સ-૧, હોલોલેન્સ અને સરફેસ હબમાં ઉપયોગ કરી શકાશે. તેના સાત વર્ઝન છે, જે અલગ અલગ કામ માટે બનાવવામાં આવ્યા છે. વિન્ડોઝ-૧૦ રિલીઝ થવાના પગલે કમ્પ્યૂટરની દુનિયામાં ક્રાંતિ આવી છે.

ભારતીય મૂળના નડેલા ફેબ્રુઆરી-૨૦૧૪માં માઈક્રોસોફ્ટના સીઈઓ બન્યા બાદ વિન્ડોઝ-૧૦ તેમની પ્રથમ પ્રોડક્ટ છે. વિન્ડોઝ-૧૦ રિલીઝ માટે નવી દિલ્હી ઉપરાંત સિડની, ટોકિયો, સિંગાપોર, બીજિંગ, દુબઈ, નૈરોબી, જોહાનિસબર્ગ, મેડ્રિડ, લંડન, સાઓપાઉલો અને ન્યૂયોર્કમાં સ્પેશિયલ ફંકશન કરવામાં આવ્યું છે.

માઈક્રોસોફ્ટે જાહેરાત કરી છે કે તેમના તરફથી પ્રથમ વાર ઓપરેટિંગ સિસ્ટમનું લેટેસ્ટ વર્ઝન ફ્રી અપગ્રેડ માટે ઉપલબ્ધ બનશે. આ અપગ્રેડની ઓફર વિન્ડોઝ-૭, ૮ અને ૮.૧ ઉપકરણો માટે હશે એટલે કે જે યુઝર્સ વિન્ડોઝના ૭, ૮ કે ૮.૧ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે તેઓ આજે રિલીઝની ૨૯ જુલાઈની તારીખથી એક વર્ષની અંદર વિનામૂલ્યે અપગ્રેડ કરી શકશે. વિન્ડોઝ એક્સપી, ૨૦૦૦, ૨૦૦૧ કે વિસ્તા માટે અપગ્રેડ ઉપલબ્ધ રહેશે નહીં.

વિન્ડોઝ-૧૦માં નવું શું છે?

– વિન્ડોઝ-૧૦માં અનેક નવાં ફીચર્સ છે. એપલના સિરિ કે ગૂગલના ગૂગલ નાઉંને ટક્કર આપવા માટે માઈક્રોસોફ્ટ વિન્ડોઝ-૧૦માં કોર્ટાના ડિજિટલ આસિસ્ટન્ટ ફીચર્સ આપી રહી છે. માઈક્રોસોફ્ટનો દાવો છે કે નવા વિન્ડોઝ સ્ટોરમાં જે એપ્સ તમારા વિન્ડોઝ-૧૦ પીસી પર કામ કરશે એ જ એપ્સ તમારા વિન્ડોઝ-૧૦ ટેબ્લેટ પર કામ કરશે.

– વિન્ડોઝ-૧૦ યુઝર ફ્રેન્ડલી છે, તેમાં વિન્ડોઝ-૭ (યુઝર ફ્રેન્ડલી) અને વિન્ડોઝ-૮.૧ (ટચ સ્ક્રીન ફ્રેન્ડલી) બંનેનો સમન્વય થયેલો છે. કમ્પ્યૂટર અને ટેબ્લેટ બંને પર તેનો સરળતાથી ઉપયોગ થઈ શકે છે.

– આ નવા સોફ્ટવેર માટે કંપનીના મોટા પ્લાન છે, પરંતુ કંપની પહેલાં ઈચ્છે છે કે યુઝર તેનાથી ફ્રેન્ડલી થઈ જાય.

– જે લોકો નવું કમ્પ્યૂટર ખરીદવા ઈચ્છતા હોય તેમના માટે પ્રી ઈન્સ્ટોલ્ડ વિન્ડોઝ-૧૦ કમ્પ્યૂટર્સ માર્કેટમાં વેચાણ માટે ઉપલબ્ધ છે.

 

You might also like