વિના વિઘ્ને વિઘ્નહર્તાનું વિસર્જન સંપન્ન

વડોદરા/અમદાવાદ : શહેરમાં દશ દિવસનું આતિથ્ય માણતા શ્રીજીની મૂર્તિ વિસર્જન શોભાયાત્રા હેમખેમ પાર પાડવા પોલીસ છેલ્લા કેટલાક દિવસથી ખડે પગે દિન-રાત ઉચાટ હૈયે તૈનાત હતી. તોફાન થવાની દહેશતના માહોલમાં ગોઠવાયેલા લોખંડી બંદોબસ્ત વચ્ચે ઉત્સાહ પૂર્વક શોભાયાત્રાઓ શહેરના રાજમાર્ગો પર નીકળી હતી. જે વિવિધ તળાવો તેમજ કૃત્રિમ તળાવો ખાતે પહોંચી હતી. જ્યાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સાથે સાથે કૃત્રિમ તળાવો ખાતે ગણેશજીની પ્રતિમાને તુરત જ બહાર કાઢવાની પણ વ્યવસ્થા વહીવટી તંત્રએ કરી હતી તેના કારણે ભાવિક ભક્તોમાં છૂપો રોષ જોવા મળતો હતો.

ગણેશોત્સવ પર્વે શહેરના વિવિધ વિસ્તારમાં નાની મોટી અંદાજિત બે હજાર જેટલી મૂર્તિનું સ્થાપન આનબાન શાનથી કરાયું હતું. પરંતુ ગણેશોત્સવના પ્રારંભે જ સંસ્કારનગરીની શાંતિને પલિતો ચાંપવાના નાપાક ઇરાદો કેટલાક મુઠ્ઠભર તત્ત્વોએ ઘડ્યો હતો. પરિણામે બે દિવસ અગાઉ પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે આરોપીને છોડાવવા ટોળાએ પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ પોલીસે શહેરમાં વધુ કડક બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જેથી તોફાની તત્ત્વોની મેલી મુરાદ બર આવી નહોતી.

જોકે, શ્રીજી મૂર્તિ સ્થાપનના પ્રારંભે પૂર્વે જ પોલીસે બહારથી બોર્ડર વીંગ, આરએએફ સહિત એસઆરપી તથા ઉચ્ચ અધિકારીઓનો  કાફલો તૈનાત કરી દીધો હતો. સાતમાં દિવસે અતિ સંવેદનશીલ જૂનીગઢીના શ્રીજી મૂર્તિ વિસર્જન સવારી સહિત અન્ય ૩૦૦ જેટલી મૂર્તિઓનું વિસર્જન શહેરના વિવિધ તળાવોમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું.

સાતમાં દિવસનું ટેન્શન પૂરું થતાં જ પોલીસે દસમાં દિવસના શ્રીજી મૂર્તિ વિસર્જનના બંદોબસ્તની તનતોડ મહેનત શરૃ કરી દીધી હતી. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત બીએસએફ, એસઆરપી, હોમગાર્ડ, ગ્રામરક્ષક દળની મદદ મેળવી કડક બંદોબસ્ત માટેનો  એક્શન પ્લાન પણ પોલીસ કમિશનર ઇ. રાધાકૃષ્ણને અન્ય અધિકારીઓ સાથે સઘન ચર્ચા વિચારણા કરી તૈયાર કર્યો હતો.

 દહેશતના માહોલમાં પોલીસે લોખંડી બંદોબસ્તનું આયોજન કર્યું હતું. શ્રીજી વિસર્જન શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવવા પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં પતરાંની આડશો ઊભી કરી દીધી હતી. વહેલી સવારથી તમામ સંવેદનશીલ વિસ્તારમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

પાણીગેટ- બાવામાનપુરા ફતેપુરા- ભાંડવાડા સહિત મચ્છીપીઠ નવાબવાડા- મદનઝાંપા રોડના મીયા અબ્બાસના ખાંચા સહિતના અનેક સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે કાયદો વ્યવસ્થા જાળવવા અને મુઠ્ઠીભર નાપાક તત્ત્વોનો બદઇરાદો નિષ્ફળ બનાવવા પતરાંની આડશ અને ઠેર ઠેર બાંબુની રેલીંગ ઊભી કરી દેવાઇ હતી.

જ્યારે બીજી બાજુ નેત્રાના ઉપયોગ અર્થે ટીમને તૈનાત કરાઇ હતી. નેત્રાના આઠ કેમેરા વિવિધ વિસ્તારના ફોટોગ્રાફ પોલીસ કંટ્રોલને સીધા મોકલી શકે તેવી રીતે સજ્જ કરી દેવાયું હતું. જ્યારે ઉચ્ચ અધિકારીઓ સાથે એક વિડિયોગ્રાફર પણ સજ્જ રખાયો હતો. જેની કોઇપણ સ્થિતિમાં નાપાક તત્વોની વિડિયોગ્રાફી કરી તેની ઓળખ છતી કરી શકવાની પોલીસને અનુકૂળતા રહી શકે છે. ઉપરાંત હાઇ રાઇઝ પોઇન્ટ પણ ઠેર ઠેર ગોઠવી પોલીસને કેમેરાથી સજ્જ કરી મુઠ્ઠીભર તત્ત્વો પર બાજનજર રાખવા તૈનાત કરાયા હતા.

You might also like