વિધવાને જીવનસાથી બનાવવાની લાલચ આપી જાતીય શોષણ કર્યું

અમદાવાદઃ બાળકોની જવાબદારી ઉપાડવાનું કહી અને લગ્નનું આશ્વાસન સરદારનગરમાં રહેતી વિધવાનું જાતીય શોષણ કરીને તેને તરછોડી દેનાર સહકર્મી સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે.

સરદારનગર વિસ્તારમાં રહેતી માયા (નામ બદલેલ છે)નાં લગ્ન 15 વર્ષ અગાઉ હિંદુ રીતરીવાજ અનુસાર વાડજમાં રહેતા મેહુલ (નામ બદલેલ છે) સાથે થયા હતા. માયા અને મેહુલ ખુશીથી રહેતા હતા. 15 વર્ષનાં લગ્નનાં સમયગાળામાં માયા અને મેહુલને ચાર બાળકો હતા. છોકરાઓની જવાબદારીનાં કારણે  માયાએ તેની નોકરી છોડી દીધી હતી અને ઘેરબેઠાં તે કોઈ નાનું-મોટું  કામ કરી મેહુલને આર્થિક રીતે મદદ કરતી હતી, પણ જોગાનુજોગ મેહુલનું અકસ્માતમાં મોત  થવાના કારણે ઘરની અને બાળકોની બધી જવાબદારી માયા પર આવી ગઈ હતી. માટે માયાએ શાહીબાગમાં આવેલી પ્રાઈવેટ કંપનીમાં ટેલીકોલર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. ત્યાં તેની મુલાકાત એ જ કંપનીમાં કામ કરતા અનુરાગ (નામ બદલેલ છે) સાથે થઈ હતી.

અનુરાગ માયાને ઓફ‌િસના કામમાં મદદ પણ કરતો અને તેની સાથે માયાની સારી મિત્રતા થઈ ગઈ હતી. અનુરાગના પણ કોઈ કારણ અનુસાર ડિવોર્સ થઈ ગયા હતા. અનુરાગે માયાને તેની સાથે  લગ્ન કરવા માટે તૈયાર પણ કરી દીધી અને તેનાં બાળકોની જવાબદારી પણ ઉપાડવા  તૈયાર થઇ ગયો હતો. માયાએ વિશ્વાસ મૂક્યો અને અનુરાગે તેનો ફાયદો ઉઠાવીને જાતીય સંબંધો શરૂ કર્યો. માયાએ અનુરાગને તેના પરિવારજનો મુલાકાત કરવાનું કહ્યું ત્યારે અનુરાગે રોજ કંઈક બહાના બનાવતો હતો. છેવટે અનુરાગે તેની અવગણના કરવાનું શરૂ કરી દીધું અને લગ્નનો પણ સાફ ઈન્કાર કરી દીધો. વિશ્વાસઘાતથી આગાતમાં સરી પડેલી માયાએ છેવટે મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.

You might also like