વિઘ્નહર્તાના ઉત્સવમાં જ વિઘ્ન  

મહારાષ્ટ્રના મુંબઈ તથા કોંકણ પ્રદેશમાં ગણેશોત્સવ ભારે ધૂમધામથી ઊજવાય છે. ગણેશચતુર્થી નજીક આવી રહી હોઈ ગણેશોત્સવ મંડળો તૈયારીમાં લાગી ગયાં છે અને મૂર્તિકારો ગણપતિ બાપ્પાની મૂર્તિઓને આખરી ઓપ આપી રહ્યા છે ત્યારે હાઈકોર્ટનો એક આદેશ વિઘ્નહર્તાના ઉત્સવમાં જ વિઘ્નરૂપ બની શકે છે

ઉત્સવોના આયોજન માટે રેલવે સ્ટેશન પરિસર, બસ સ્ટોપ, ફૂટપાથ જેવી કે કોઈ પણ જાહેર જગ્યાએ મંડપ લગાવવાની મંજૂરી નહીં આપવાનો મુંબઈ હાઈકોર્ટનો વચગાળાનો આદેશ આ વખતના ગણેશોત્સવમાં અવરોધક બની શકે છે. જાહેર હિતની એક અરજીની સુનાવણીમાં થાણે મહાનગરપાલિકાને અપાયેલા આ આદેશમાં હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને પણ પક્ષકાર તરીકે ગણી છે. મતલબ કે સમગ્ર મહારાષ્ટ્રમાં અને મુંબઈ મહાનગરપાલિકામાં પણ આ નિર્ણય લાગુ પડશે.

મહારાષ્ટ્રના થાણે નિવાસી ડૉ. મહેશ બેડેકરે ઉત્સવો દરમિયાન થતાં ધ્વનિ પ્રદૂષણ અને સામાન્ય નાગરિકો માટે ફૂટપાથ પર ચાલવાના અધિકારના હનનને રોકવા જાહેર હિતની અરજી કરી હતી. અરજી સંદર્ભે કોર્ટે ત્રીજી માર્ચે ઉપર મુજબનો આદેશ કર્યો હતો. સાથે જ ગણેશોત્સવ તથા નવરાત્રિ જેવા ઉત્સવોની ઉજવણી અંગે એક પોલિસી બનાવીને કોર્ટમાં રજૂ કરવાનો પણ આદેશ કર્યો હતો. જોકે ચાર મહિના વિતવા છતાં સરકારે આ અંગેની કોઈ પોલિસી ઘડી નથી અને કોર્ટમાં રજૂ પણ કરી નથી. જેથી હાઈકોર્ટે જૂન મહિનાના આખરી સપ્તાહમાં ગણેશોત્સવ મંડળોને ફૂટપાથ અને સાર્વજનિક જગ્યાઓ પર મંડપ લગાવવાની મંજૂરી ન આપવાનો આદેશ કર્યો હતો. ગણેશોત્સવ મંડળોનો આરોપ છે કે સરકારની નિષ્ક્રિયતાથી જ આ પરિસ્થિતિ આવી છે. જો સરકારે હાઈકોર્ટમાં મંડળો વતી યોગ્ય રજૂઆત કરી હોત તો આ પરિસ્થિતિને નિવારી શકાઈ હોત.

બીજી બાજુ મુંબઈ મહાનગરપાલિકા પણ હાઈકોર્ટના રોષનો ભોગ બની છે. હાઈકોર્ટના આદેશ બાદ પણ પાલિકાએ ૧૪ જેટલાં મંડળોને આ પ્રકારે મંજૂરી આપી દીધી છે. હાઈકોર્ટનું કહેવું છે કે, ‘મહાનગરપાલિકા કોર્ટના આદેશનું ઉલ્લંઘન કેવી રીતે કરી શકે?’ હાઈકોર્ટના કડક વલણ સામે સફાઈ આપતા મહાનગરપાલિકાએ કહ્યું કે, ‘પોલિસી બનાવવાનો પૂરતો સમય ન હોવાથી કોર્ટના ર૦૧૪ના આદેશ અનુસાર નિયમો અને શરતોનું પાલન કરીને જ મંજૂરી આપી છે. આ મંજૂરી હાઈકોર્ટના આદેશ પહેલાં જ આપી દેવાઈ હતી. ર૪ જૂને મહાનગરપાલિકાના વકીલ કોર્ટમાં હાજર હતા ત્યારે કોર્ટના આદેશની જાણ થઈ હતી.’ જોકે ૧૪માંથી ૧૧ મંડળોને ર૪ જૂન બાદ મંજૂરી આપવામાં આવી હોવાથી તે અંગે પુનઃ વિચાર કરવા હાઈકોર્ટે સૂચના આપી છે.

હાઈકોર્ટના આ કડક આદેશથી ગણેશોત્સવ ઊજવતાં લગભગ ૧૧,પ૦૦ મંડળો પર સંકટનાં વાદળો ઘેરાયાં છે. જોકે આમાંથી ઘણાં ઓછાં મંડળો સાર્વજનિક જગ્યાઓ પર મંડપ લગાવે છે, પરંતુ ભાવિકોની લાંબી લાઇન, જાહેરાત-પોસ્ટર્સ વગેરે ફૂટપાથ પર જ લાગતાં હોઈ લગભગ આઠ હજાર મંડળો પર પ્રશ્નાર્થ સર્જાયો છે. આ અંગે ગણેશોત્સવ કો-ઓર્ડિનેશન કમિટીના અધ્યક્ષ નરેશ દહિબાવકર કહે છે, ‘રસ્તાની બંને તરફે કમાન અને પોસ્ટર્સ લગાવવા પર પ્રતિબંધ આવનાર હોઈ મંડળોને મળતી જાહેરાતો પર ખરાબ અસર પડશે અને મંડળોને આર્થિક નુકસાન થશે. મુખ્યમંત્રીએ ગણેશોત્સવ ધામધૂમથી જ ઊજવાશે તેવું આશ્વાસન આપ્યું હતું. હવે તેમની વાત સિદ્ધ કરી બતાવવાનો સમય આવી ગયો છે. ૩ર વર્ષથી ગણેશોત્સવ સમિતિઓએ લોકોની તમામ મુશ્કેલીનો ખ્યાલ રાખ્યો છે. ઉપરાંત ગણેશોત્સવ મંડળો ઘણાં સામાજિક કાર્યો પણ કરતાં રહે છે. એવું નથી કે ઉત્સવોથી રસ્તા પર માત્ર હંગામો જ થાય છે.’

ગણેશોત્સવના મુદ્દે હવે શિવસેના-ભાજપા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ મેદાનમાં આવી ગઈ છે. રાષ્ટ્રવાદી કોંગેસે તો ગણેશોત્સવ મંડળોને સમર્થન પણ આપ્યું છે. ગણેશોત્સવ મંડળો હવે હાઈકોર્ટના આદેશને અવગણીને ગણેશોત્સવ ધામધૂમથી ઊજવવાના મૂડમાં છે. આમાં શિવસેનાએ પણ બળ પૂરું પાડ્યું છે. શિવસેનાના કાર્યકારી પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ કહ્યું, ‘ગણેશોત્સવ થઈને જ રહેશે. દરેક વખતે માત્ર હિન્દુઓના તહેવારોમાં જ પાબંદી શા માટે?’ ઠાકરેએ સેના ભવનમાં ગણેશ ઉત્સવ અંગે મિટિંગ પણ યોજી હતી. જેમાં ૮૦૦ મંડળો હાજર રહ્યાં હતાં.

ભાજપના અધ્યક્ષ આશિષ શેલારે પણ સાંસ્કૃતિક જનાધાર સમિતિ રચીને ભાજપા કાર્યાલયમાં ૧૦૦ મંડળો સાથે ચર્ચા કરી હતી. અહીં ઉપસ્થિત મંડળોના કાર્યકર્તાઓનું માનવું હતું કે, આ મિટિંગમાં મુખ્યમંત્રી હાજર રહેશે. ભાજપની જ સરકાર છે ત્યારે મુખ્યમંત્રીને મળીને જ કંઈક રસ્તો

ચોક્કસ કાઢી શકાય. જોકે ઉદ્ધવ ઠાકરેએ સેના ભવનમાં યોજાયેલી મિટિંગમાં સરકારને એ યાદ અપાવ્યું હતું કે, ૧૯૯પની યુતિ સરકાર વખતે આવી જ મુશ્કેલી ઊભી થઈ હતી ત્યારે સ્વર્ગીય બાળ ઠાકરેએ તત્કાલીન મુખ્યમંત્રી મનોહર જોશીને સૂચના આપીને વટહુકમ (ઓર્ડિનન્સ) બહાર પડાવ્યો હતો.

હવે સરકાર મુશ્કેલીમાં છે. સરકારે પોતાના પર આવેલા સંકટથી બચવાનું છે અને ગણેશોત્સવ પર આવી પડેલું વિઘ્ન પણ દૂર કરવાનું છે. જોકે ભાવિકો આ મામલે બેફિકર છે, કારણ કે તેમને ગણપતિ બાપ્પા પર અપાર શ્રદ્ધા છે કે બાપ્પા વિઘ્નકર્તા પણ છે અને વિઘ્નહર્તા પણ છે.

 આખરે પોલિસી હાઈકોર્ટમાં રજૂ કરાશે

રસ્તા પર નાગરિકોને તકલીફ ન થાય તે માટે ધ્વનિ પ્રદૂષણ સહિતના નિયમોના પાલન મુજબ ગણેશોત્સવ મંડળોને પરવાનગી આપવામાં આવે તેવી પોલિસી રજૂ કરવાના આદેશ છતાં મહાનગરપાલિકાએ કોઈ પોલિસી રજૂ કરી ન હતી. જોકે હાઈકોર્ટે ફટકાર લગાવ્યા બાદ આખરે મહાનરગપાલિકાએ ગણેશોત્સવ મંડળો માટે એક પોલિસી તૈયાર કરી છે. જેમાં ૩૦ ફૂટથી વધુ ઊંચાઈનો મંડપ લગાવવો નહીં તથા ધ્વનિ પ્રદૂષણ થશે તો પાંચ વર્ષ સુધીની સજાની તથા એક લાખ રૂપિયાના દંડ સુધીની જોગવાઈ કરવામાં આવી છે. હવે મહાનગરપાલિકા આ પોલિસી હાઈકોર્ટમાં રજૂ કરશે.

 ગણેશ મંડળો પર સરકાર સખત

૬ ઓગસ્ટે મહારાષ્ટ્ર સરકારે હાઈકોર્ટમાં એફિડેવીટ દાખલ કરી છે. જેમાં સ્પષ્ટરૂપે ઉલ્લેખ કરાયો છે કે કોઈપણ મંડળને ઉત્સવ માટે રસ્તા પર મંડપ લગાવવાની મંજુરી આપવામાં નહીં આવે. સાથે જ મંડપ અને અવાજ પ્રદૂષણ અંગે હાઈકોર્ટે આપેલા નિર્દેશોનું પણ ચૂસ્તપણે પાલન કરાવવામાં આવશે. જોકે સરકારના આ નિર્ણયથી ૧૩૦૦ જેટલાં ગણેશમંડળો મુશ્કેલીમાં મૂકાઈ શકે છે.

You might also like