વિકલાંગને વ્હીલચેર પર ફાંસી અાપશે પાકિસ્તાન

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં એવા વિકલાંગ કેદીને ફાંસી અાપવાની યોજના છે, જે ખુદ ઊભા રહેવામાં પણ સક્ષમ નથી. પાક. અા પ્રકારના પહેલા કેસમાં કેદીને વ્હીલચેર પર બેસાડીને ફાંસી અાપશે. ૨૦૦૯માં હત્યાનાે અારોપી અબ્દુલ બાસીત ગયા વર્ષે ફેંસલાબાદ જેલમાં કેદ દરમિયાન જ લકવાનો શિકાર બન્યો હતો. બાસીતના શરીરનો કમર નીચેનો ભાગ લકવાગ્રસ્ત થવાથી સંપૂર્ણ રીતે નિષ્ક્રિય છે. 

ગયા વર્ષે ડિસેમ્બરમાં પેશાવરમાં અાતંકી હુમલા બાદથી પાકિસ્તાનમાં ફાંસીની સજા પર લગાવાયેલો પ્રતિબંધ હટાવાયો હતો. ફાંસીની સજા મેળવેલા કેદીઅોની યાદીમાં બાસીતનું નામ પણ સામેલ છે, પરંતુ હવે તેને ફાંસી અાપવાની યોજનાને લઈને માનવ અધિકાર સંગઠનોઅે સવાલ ઉઠાવવાના શરૂ કરી દીધા છે. જો બાસીતને ફાંસી અપાશે તો તે પાકિસ્તાનના કાયદાની પણ વિરુદ્ધ હશે. અા કાયદા મુજબ કોઈ પણ કેદીને ત્યારે જ ફાંસી અાપી શકાય જ્યારે તે ખુદ પોતાના પગ પર ઊભા રહેવામાં સક્ષમ હોય. 

૨૯ જુલાઈના રોજ બાસીતને બ્લેક વોરંટ અપાયું હતું. બાસીતના વકીલો અને માનવ અધિકાર સંગઠનોઅે તેની ફાંસી રોકવા માટે અભિયાન શરૂ કર્યું છે. અા અંગે મંગળવારે સુનાવણી થવાની છે. જો તેમાં બાસીતને રાહત નહીં મળે તો ખૂબ જ જલદી તેને ફાંસી અપાશે. 

ઉલ્લેખનીય છે કે ૧૯૯૩માં અમેરિકાના વર્જિનિયામાં ૩૯ વર્ષના કેદી ચાર્લ્સ સ્ટોપરને ફાંસી અપાઈ હતી, જે કમરની ઇજાઅોના કારણે ઊભા રહેવામાં સક્ષમ ન હતો. 

You might also like