વાટાઘાટો રદ થવાની બાબત કમનસીબઃ રાજનાથ

લખનૌઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે આજે લખનૌ ખાતે જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા એનએસએ સ્તરની વાટાઘાટો રદ કરવામાં આવી તે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. તેમણે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે ભવિષ્યમાં કોઇ પણ વાટાઘાટોનો આધાર પડોશી દેશ પર જ રહેશે.

તેમણે ઉમેર્યું હતું કે, ભારત પડોશી દેશો સાથે સારા સંબંધો જ ઇચ્છે છે. આ મંત્રણા પાકિસ્તાને રદ કરી હતી. ભારત તો મંત્રણા કરવા ઇચ્છતું હતું. દરમ્યાન અલગતાવાદી નેતાઓએ પણ બંને દેશોના એનએસએ વચ્ચેની બેઠક રદ થવાને કમનસીબ ગણાવી હતી. દરમિયાન કોંગ્રેસે કેન્દ્ર સરકારની વિદેશનીતિ અંગે પ્રશ્ન ઉઠાવતાં જણાવ્યું હતું કે, મોદી સરકારે આ મામલે કોઇ તૈયારી કરી નહોતી.

અત્રે લખનૌ ખાતે ત્રણ દિવસની મુલાકાતના છેલ્લા દિવસે આજે રાજનાથસિંહે જણાવ્યું હતું કે, એનએસએ સ્તરની વાટાઘાટો ભારતે નહીં પરંતુ ખુદ પાકિસ્તાને વાટાઘાટોના એજન્ડાથી દૂર થઇને રદ કરી હતી. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને પાકિસ્તાનના તેમના સમકક્ષ સરતાજ અઝીઝ વચ્ચેની વાટાઘાટો રદ થઇ તેના એક દિવસ બાદ રાજનાથસિંહે ઉમેર્યું હતું કે, ભારત તો મંત્રણા ઇચ્છતું હતું ભારત ભવિષ્યમાં પણ પાકિસ્તાન સાથે સદભાવપૂર્ણ સંબંધો રાખવાનો પ્રયાસ કરશે.

અઝીઝ કાશ્મીરી અલગતાવાદી નેતાઓને મળે તેની સામે ભારતે ઉઠાવેલા વાંધાની પાકિસ્તાને કરેલી ટીકા બાબતે રાજનાથસિંહે જણાવ્યું હતું કે, એનએસએ સ્તરની વાટાઘાટોમાં કોઇ ત્રીજો પક્ષ હોવો જોઇએ નહીં એ માત્ર એનએસએ સ્તરની જ વાટાઘાટો હતી. એમાં એવું પણ નહોતું કે, આ વાટાઘાટો અગાઉ અથવા પછી અથવા વાટાઘાટો દરમ્યાન અન્ય કોઇ પક્ષ પણ વાટાઘાટો કરે. તેમણે ઉમેર્યું હતું કે, પાકિસ્તાને અગાઉથી નિર્ધારિત થયેલા એજન્ડા મુજબ જ વાટાઘાટો યોજવાની હતી.

કાશ્મીર મુખ્ય એજન્ડા હતો તેવા પાકિસ્તાનના દાવા અંગે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, આ બાબત એનએસએ સ્તરની વાટાઘાટોનો હિસ્સો હશે તેવું શા માટે અગાઉ નક્કી કરવામાં આવ્યું નહોતું? આ મુદ્દો તો ક્યારેય એજન્ડામાં હતો જ નહીં. ભારતે હંમેશા જણાવ્યું હતું કે, બે એનએસએ વચ્ચેની વાટાઘાટોમાં માત્ર આતંકવાદનો જ મુદ્દો હતો. ભવિષ્યમાં કોઇ વાટાઘાટોની શક્યતા વિશે પૂછવામાં આવતાં રાજનાથસિંહે કહ્યું હતું કે, આ અંગે પાકિસ્તાનને જ પૂછો, તેનો જવાબ હું કઇ રીતે આપી શકું.

દરમિયાન હૂર્રિયત કોન્ફરન્સના નેતા મિરવાયઝ ઉમરે પણ વાટાઘાટો રદ થઇ તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, બંને દેશોએ ફરી એક તક ગુમાવી દીધી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, સરકાર કાશ્મીર મુદ્દે કાશ્મીરીઓ સાથે ચર્ચા-વિચારણા કરશે. દક્ષિણ દિલ્હીના એક ગેસ્ટ હાઉસમાં નજરકેદ રાખવામાં આવેલા બીજા અલગતાવાદી નેતા શબ્બીર શાહે જણાવ્યું હતું કે, એનએસએ સ્તરની વાટાઘાટો રદ થવાથી તેઓ નિરાશ થયા છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારે વાટાઘાટો પહેલાં પાકિસ્તાન સામે કોઇ શરત મૂકવી જોઇતી નહોતી.

સૈયદઅલી શાહ ગીલાનીના નેતૃત્વ હેઠળના કટ્ટરવાદી હૂર્રિયત કોન્ફરન્સે પણ એનએસએ સ્તરની વાટાઘાટો રદ થઇ તે બાબતને કમનસીબ ગણાવી હતી. અને જણાવ્યું હતું કે, આખરે આ ભારત અને પાકિસ્તાન તેમ બંને માટે રાજદ્વારી વિજય છે. સંસ્થાના પ્રવકતા અયાઝ અકબરે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વને એવો સંદેશ ગયો છે કે, કાશ્મીર મુદ્દો એ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય પ્રાદેશિક વિવાદ નથી. અને જમ્મુ-કાશ્મીરના લોકો તેના મુખ્ય પક્ષો છે.

દરમ્યાન કોંગ્રેસે પાકિસ્તાન સાથે રદ થયેલી વાટાઘાટોના મુદ્દે કેન્દ્ર સરકારની વિદેશ નીતિ પર પ્રશ્ન ઊઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે, મોદી સરકારે આ બાબતે કોઇ તૈયારી કરી નહતી. કોંગ્રેસ પ્રવકતા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનની આદત એવી જ રહી છે કે તે આતંકવાદના મુદ્દે દૂર ભાગતું રહ્યું છે. આ વાતની મોદી સરકારને ખબર હોવી જોઇતી હતી અને તેને અનુલક્ષીને જ તૈયારી પણ કરવાની જરૂર હતી. સિંઘવીએ કહ્યું કે, પાકિસ્તાન જાણી જોઇને ભારતને ઉશ્કેરતું રહે છે. અને સંઘર્ષની પરિસ્થિતિ ઊભી કરવા પ્રયાસ કરે છે.

દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે જણાવ્યું છે કે ગૃહપ્રધાન બન્યા પછી તેમણે સીમાએ તૈનાત સુરક્ષા દળોને સ્પષ્ટ સૂચના આપી છે કે આપણી તરફથી કોઈ પહેલ કરવી નહીં, પરંતુ જો સામેથી ગોળીબાર થાય તો તેનો વળતો જવાબ આપવામાં કારતૂસોની ગણતરી કરવી નહીં.

પોતાના મતક્ષેત્ર લખનૌની ત્રણ દિવસની મુલાકાતે આવેલા રાજનાથસિંહે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આંતકવાદ મોટો પડકાર છે. ફકત ભારત માટે જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સમુદાય માટે પણ તે ભયંકર પડકાર છે.

ગૃહપ્રધાને જણાવ્યું કે આપણે આતંકવાદ પર  નિયંત્રણ મેળવવામાં સફળ થતાં નથી. હું સમગ્ર આંતરાષ્ટ્રીય સમુદાયની વાત કરી રહ્યો છું. આપણે તો આપણા પડોશી દેશથી પરેશાન છીએ. પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયી જ નહીં પણ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પડોશી દેશો સાથે સારા સંબંધો પર ભાર મૂકે છે.

 

You might also like