વર્તમાન ક્રિકેટરોમાં સૌથી વધુ વિકેટનો રેકર્ડ ભજ્જીના નામે

નવી દિલ્હીઃ ગઈ કાલનો દિવસ ટેસ્ટ ક્રિકેટ માટે ખાસ રહ્યો હતો. દ. આફ્રિકાનાે ડેલ સ્ટેન ૪૦૦ વિકેટની ક્લબમાં જોડાયો, તો ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ જોન્સન ૩૦૦ વિકેટની ક્લબમાં. જોકે આ બધા વચ્ચે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકર્ડ હરભજનના નામે જ રહ્યો. હા, એ વાત એકદમ સાચી છે છે કે હાલમાં રમી રહેલા ક્રિકેટર્સમાં ભારતનાે હરભજનસિંહ સૌથી વધુ વિકેટ લેવાના મામલે સૌથી આગળ છે. તેના નામે ટેસ્ટ ક્રિકેટમાં ૪૧૬ વિકેટ નોંધાયેલી છે, પરંતુ ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસન તેનો આ રેકર્ડ તોડવાથી બહુ દૂર નથી.ન્યૂઝીલેન્ડ સામે હેડિંગ્લે ટેસ્ટમાં ૪૦૦ વિકેટ ક્લબ સાથે જોડાનારા એન્ડરસને આ રેકર્ડ તોડવા માટે ફક્ત પાંચ વિકેટની જરૂર છે. તે હાલ એશીઝમાં બહુ જ શાનદાર બોલિંગ કરી રહ્યો છે. તેણે એજબેસ્ટ ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં છ વિકેટ પણ ઝડપી હતી. એન્ડરસન જો આ રીતે જ બોલિંગ કરતો રહેશે તો એશીઝ શ્રેણીમાં જ તે ભજ્જીનો રેકર્ડ તોડી નાખશે. ઉલ્લેખનીય છે કે એન્ડરસન ઈંગ્લેન્ડના ક્રિકેટ ઇતિહાસનો સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર પણ છે.બીજી બાજુ ૪૦૦ વિકેટ ક્લબમાં સામેલ થયેલા સ્ટેનના રેકર્ડની ખાસિયત સૌથી ઓછી મેચમાં આ આંકડાને સ્પર્શી લેવાની રહી છે. ૮૦મી ટેસ્ટમાં તેણે આ સિદ્ધિ હાંસલ કરી છે. તેણે ન્યૂઝીલેન્ડના મહાન બોલર સર રિચર્ડ હેડલીની બરાબરી કરી. સ્ટેન સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારો દક્ષિણ આફ્રિકાનો બોલર બનવાથી બહુ દૂર નથી. સ્ટેનથી વધુ ટેસ્ટ વિકેટ લેનારાે દક્ષિણ આફ્રિકન ક્રિકેટર શેન પોલોક છે, જેણે પોતાની કરિયર દરમિયાન ૪૨૧ ક્રિકેટર્સને પેવેલિયનમાં મોકલી આપ્યા છે.સ્ટેન ૪૦૦ વિકેટ ક્લબમાં જોડાનારો ૧૩મો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે, પરંતુ આમાંથી ફક્ત ત્રણ જ ક્રિકેટર હાલમાં રમી રહ્યા છે. વાત જો ૩૦૦ વિકેટ ઝડપનારા બોલરની કરવામાં આવે તો મિચેલ જોન્સન આ ક્લબ સાથે જોડાનારો ૨૮મો ટેસ્ટ ક્રિકેટર છે. જોકે ૩૦૦થી વધુ વિકેટ ઝડપનારા હાલમાં પાંચ ક્રિકેટર જ રમી રહ્યા છે.

૧૫૦થી વધુ વિકેટ ઝડપનારા વર્તમાન ક્રિકેટર્સ

ખેલાડી                          વિકેટ

૧. હરભજનસિંહ               ૪૧૬
૨. જેમ્સ એન્ડરસન           ૪૧૨
૩. ડેલ સ્ટેન                    ૪૦૨
૪. ઝહીર ખાન                 ૩૧૧
૫. મિચેલ જોન્સન            ૩૦૧
૬. સ્ટુઅર્ટ બ્રોડ                 ૨૯૮
૭. રંગના હેરાથ               ૨૬૩
૮. મોર્ને મોર્કલ                 ૨૧૭
૯. પીટર સિડલ                ૧૯૨
૧૦. ઈશાંત શર્મા               ૧૮૭
૧૧. સઈદ અજમલ            ૧૭૮
૧૨. મોન્ટી પાનેસર            ૧૬૭
૧૩. ઉમર ગુલ                  ૧૬૩
૧૪. નાથન લિયોન            ૧૫૭

You might also like