વરસાદમાં ચાલો અને જરાય ભીના ન થાવ

વરસાદમાં ચાલવાનો આનંદ અનોખો હોય છે. જોકે મોટા ભાગનાં લોકોને વરસાદનો આનંદ માણવો ગમે છે, પરંતુ ભીના થવાનું જરાય ગમતું નથી. બહુમાળી ઇમારતના પેન્ટહાઉસમાં રહેનારા એક મિત્રએ અગાસી વચ્ચે કાચની કેબિન બનાવી છે, જેથી જરાય પલળ્યા વિના વરસતા વરસાદ વચ્ચે બેસવાની મઝા માણી શકે.

ચીનના શાંઘાઈ શહેરમાં આવેલા યુઝ મ્યુઝિયમમાં આવનાર શોખીનો ‘રેઈન રૂમ’ નામના કળાકૃતિ ઓરડામાં એવો આનંદ કાચની કેબિન વિના માણી રહ્યા છે. રૂમમાં છત ઉપરથી વરસતા કૃત્રિમ વરસાદમાં લોકો પહેરેલા કપડે નિરાંતે ચાલે છે અને એક ટીપુંય તેમને સ્પર્શતું નથી. લોકો અચરજથી ફરી ફરીને વરસાદમાં ચાલતા રહે છે.

આ કલાકૃતિ ડિઝાઈન કરનાર હેન્નેસ કોચ કહે છે, ‘થ્રી-ડી કેમેરા અને સાઉન્ડ ઈફેક્ટનો આ કમાલ છે. ૧૦૦૦ ચોરસ ફૂટના ઓરડામાં પ્રકાશ અને અવાજ જડબેસલાક નિયંત્રણમાં છે. ઓરડાની ઉપર પાઇપલાઇન ગોઠવેલી દેખાય છે, તેમાંથી પાણી નીકળતું દેખાય છે જે વરસાદની જેમ નીચે પડે છે, પરંતુ નીચે ઊભેલા માણસોને અડતું નથી.’

કલાકાર કહે છે, ‘આપણે દરેક ઘટના તેનાં દ્રશ્ય, ગંધ, અવાજ અને સ્પર્શથી અનુભવીએ છીએ. અહીં થ્રી-ડી કેમેરાની મદદથી છતમાં કાણાવાળી પાઇપ અને તેમાંથી પડતાં પાણીનો આભાસ ઊભો કરાયો છે. સાથે જ વરસાદની ફ્લેવર અને અવાજ પણ ઓરડામાં ફરી વળે છે. અનુભૂતિ સો ટકા વાસ્તવિક બનાવવા માટે ઓરડાની ફર્શ પર પાણી જવાની જાળી અસલી લગાવવામાં આવી છે. આવા ‘રેઈન રૂમ’ અગાઉ લંડન અને ન્યૂ યોર્કમાં પણ બનાવવામાં આવ્યા છે.’ 

 

You might also like