વન રેન્ક-વન પેન્શન મુદ્દે સુખદ સમાધાનની તૈયારી

નવી દિલ્હી : વન રેન્ક-વન પેન્શન વિવાદમાં સરકાર અને પૂર્વ સૈનિકો વચ્ચે સહમતી સર્જાઈ રહ્યાના નિર્દેશો મળે છે. હવે નવી વાત મુજબ ૨૦૧૧ને બદલે ૨૦૧૪ને આધાર વર્ષ માનવા માટે સૈનિકો તૈયાર થઈ ગયા છે. દર વર્ષે પેન્શન વધારવાની માંગ પણ તેમણે છોડી દીધી છે અને ૩ વર્ષ પછી પેન્શન વધારવાની સરકારની વાત પણ સ્વીકારી લીધાનું જાણવા મળે છે.

ટોચના વર્તુળો જણાવે છે કે, સરકાર અને ભૂતપૂર્વ સૈનિકોના નેતાઓ વચ્ચે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે મહત્વની ભૂમિકા ભજવતા આ સમાધાન હવે શકય બની રહ્યુ છે. પૂર્વ સૈનિકોએ ‘વન રેન્ક-વન પેન્શન’ મડાગાંઠ બાબતે સંઘના વરિષ્ઠ નેતાઓની મુલાકાત કરી હતી, પરંતુ સત્તાવાર રીતે આ વાતને કોઈ સમર્થન આપતું ન હોવાનું ટાઈમ્સના સૂત્રો નોંધે છે.

પૂર્વ સૈનિકો સાથેની વાતચીતમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, વડાપ્રધાન મોદીના સુરક્ષા સચિવ નૃપેન્દ્ર મિશ્ર અને સાંસદ રાજીવ ચંદ્રશેખર પણ સામેલ હતા તેવું જણાવાયું છે.

આમ વન રેન્ક-વન પેન્શનની મડાગાંઠ બાબતે ટૂંક સમયમાં જ જાહેરાત થઈ જશે તેવી પૂરી સંભાવના વચ્ચે આ સૂત્રો જણાવે છે કે, સરકાર અને પૂર્વ સૈનિકો વચ્ચે આ પ્રશ્ને લગભગ સહમતી

સર્જાઈ ગઈ છે. મોદી સરકાર માટે આ બાબત ઉકેલવાનું પ્રતિષ્ઠાના પ્રશ્ન જેવું બની ગયેલ છે.દરમિયાન ટાઈમ્સનો હેવાલ જણાવે છે કે, શનિવાર પછી ગમે ત્યારે બિહાર ચૂંટણીની તારીખો જાહેર થવા સાથે આચારસંહિતા લાગુ પડે તે પહેલા જ મોદી સરકાર વન રેન્ક-વન પેન્શન યોજના અંગેના ‘નવી સમજુતી’ જાહેર કરી દેવા માગે છે.

 

સરકારે સૈનિકો દ્વારા દર વર્ષે કરેલ માગણીના બદલે દર પાંચ વર્ષે જ પેન્શન રિવિઝનની વાત પકડી રાખેલ પણ હવે દર ૩ વર્ષે રિવિઝનની વાત સ્વિકારી આ સમજુતી જાહેર  કરાશે  તેવું  જણાવાઈ રહ્યુ છે.

You might also like