વધુ વિદેશી લડાયક વિમાનો માટેની વાયુદળની માગ મોદી સરકારે ફગાવી

નવી દિલ્હી : વાયુદળમાં લડાયક વિમાનોની ખોટ પૂરવા માટે ડેસોલ્ટ એવિએશન એસએ પાસેથી વધુ લડાયક વિમાનો ખરીદવાની લશ્કરની વિનંતીને સરકારે ફગાવી દીધી હતી.  સરકારે સ્વદેશી બનાવટના વિમાનોનો ઉપયોગ વધારવા જણાવ્યું હતું. આ વિમાનને બનાવતા ૩૨ વર્ષ લાગ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ નિર્ણય તેમની સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની  મેક-ઈન-ઈન્ડિયા નીતિને સુસંગત છે.

જોકે, આ નિર્ણય ફ્રેંચ વિમાન ઉત્પાદકને માટે આંચકા સમાન છે. તેની સાથે અબજો ડોલરના ભારતીય લશ્કરી ઉડ્ડયન બજારનો લાભ લેવા માગતા અન્યો માટે પણ આઘાત સમાન છે. ૧૯૬૨માં ભારતનું ચીન સાથે યુધ્ધ થયું તે પછી વાયુદળની અત્યારની ક્ષમતા ખૂબ નબળી છે જે લશ્કરી વર્તુળોમાં ચિંતાની બાબત છે. તેવા સમયે હળવા લડાયક વિમાન તેજસના વધુ ઉપયોગ પર સરકારે ભાર મૂક્યો છે. મોદી વહીવટીતંત્રે ૨૦૧૪માં સત્તા સંભાળી ત્યારથી વારંવાર કહતું આવ્યું છે કે તેનું લક્ષ્ય

વિદેશી શસ્ત્રો પ્રત્યેનું લશ્કરનું વળગણ છે તેને દૂર કરવાનું છે. લશ્કરના આ વલણને લીધે ભારત આ બાબતે વિશ્વનું સૌથી મોટું આયાતકાર બની ગયું છે. વાયુદળ ૩૬ રફાલે વિમાનની ઉપરાંત વધુ ૪૪ વિમાનની માગ કરી રહ્યું છે.  ૨૦૧૫માં પેરિસની મુલાકાત વખતે વડાપ્રધાન મોદીએ વાયુદળની તાત્કાલિક જરૃરિયાતને પહોંચી વળવા માટે ૩૬ લડાયક વિમાનોની ખરીદીની જાહેરાત કરી હતી. 

પરંતુ, સંરક્ષણ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે સંરક્ષણ મંત્રી મનોહર પારિકરે વાયુદળને એમ કહ્યું હતું કે વધુ રફાલે વિમાનો ખરીદવા માટે પૂરતું ભંડોળ નથી અને વાયુદળે સ્વદેશી બનાવટના સુધારા વધારા સાથેના લડાયક વિમાન તેજસ – માર્ક ૧એનો સમાવેશ કરવો જ જોઈએ.  સંરક્ષણ અધિકારીએ કહ્યું, ‘ભારતીય વાયુદળને હંમેશા ઓછામાં ઓછા વિમાનોની જરૃર હોય છે. આપણાં સ્ત્રોત નિયંત્રિત હોવાથી આ તબક્કે હળવા લડાયક વિમાન (એલસીએ) એ અમારો શ્રેષ્ઠ વિકલ્પ છે. રફાલે સૌથી મોંઘી ખરીદી છે. લડાયક વિમાનોની શ્રેણીમાં એલસીએ સૌથી સસ્તું છે. ‘

ભારતીય વાયુદળનું કહેવું છે કે પાકિસ્તાન અને ચીન બંન્ને મોરચે સામુહિક ખતરાને જોતાં તેને પહોંચી વળવા માટે ૪૫ લડાયક સ્ક્વોડ્રન (લશ્કરી વિમાનોના બેડા)ની જરૃર છે. વાયુદળના એક ઉચ્ચ અધિકારીએ રજૂ કરેલા પ્રેઝન્ટેશનને ટાંકીને એપ્રિલમાં એક અહેવાલમાં સંસદની સંરક્ષણ સમિતિએ જણાવ્યું હતું કે વાયુદળ પાસે માત્ર ૩૫ સક્રિય લડાયક લશ્કરી સ્ક્વોડ્રન છે. 

વિમાનો ખરીદવાની હાલની જે ગતિ છે તેને જોતાં ૨૦૨૨ સુધીમાં વાયુદળ પાસે માત્ર ૨૫ સક્રિય લડાયક લશ્કરી સ્ક્વોડ્રન રહી જશે. સોવિયેત યુગના મીગ-૨૧ વિમાનોને પાછા ખેંચવાની પ્રક્રિયા ચાલી રહી હોવાથી આ સંખ્યા ઘટશે તેમ જણાવાયું હતું. 

 

એલસીએને ૧૯૮૩માં સરકારે મંજૂરી આપી હતી અને તેની ડિઝાઈન ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) એ તૈયાર કરી હતી. ૧૯૯૪માં વાયુદળમાં તેના સમાવેશ થવાના કારણે આ પ્રકારના વિમાન વાયુદળની કરોડરજ્જુ બનવાના હતા.  પરંતુ તેને બનવામાં વર્ષોનો વિલંબ થઈ ગયો હતો.

You might also like