વડોદરાનાં રાજમહેલમાં પણ ગણેશોત્સવની ઉજવણી

વડોદરા : વડોદરાના રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા લક્ષ્મીવિલાસ પેલેસના દરબાર હોલમાં ગાયકવાડી શાસનથી જ ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. સામાન્ય જનતા પણ આ ગણપતિના દર્શન કરી શકે તે માટે ગણપતિ મહોત્સવના છેલ્લા પાંચ દિવસ માટે મહેલમાં લોકોને દર્શન માટે પ્રવેશ આપવામાં આવે છે. પેલેસ ખાતે ગણપતિ દર્શન માટે આજથી રવિવાર સુધી બપોરે ૩થી સાંજે ૫-૩૦ વાગ્યા સુધી આમ જનતા પણ અહીં દર્શન માટે જઇ શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગાયકવાડ રાજવીઓ દ્વારા વર્ષ ૧૯૩૯ સુધી પેલેસમાં ચંદ્રાસુર વધની થીમવાળી ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવતી હતી પરંતુ ૧૯૩૯માં સર સયાજીરાવ ગાયકવાડે ગણપતિ બાપ્પાની મૂર્તિ બદલવાનો નિર્ણય કર્યો હતો. જોકે તે પહેલા વડોદરા રાજવી સર સયાજીરાવ ગાયકવાડનું નિધન થયું હતું. ત્યારબાદ ગાદી પર આવેલ પ્રતાપસિંહ ગાયકવાડે ગણપતિ બાપ્પાની મૂર્તિ બદલવા માટે એક સ્પર્ધા યોજવાનું નક્કી કર્યું.

જેમાં વડોદરાના તમામ આર્ટિસ્ટોને મૂર્તિ બનાવવા માટે કહેવામાં આવ્યું. આર્ટિસ્ટોએ તૈયાર કરેલી મૂર્તિઓને એક રૃમમાં મુકવામાં આવી હતી અને કાશીના પંડિતોને ખાસ બોલાવવામાં આવ્યા હતા. કાશીના પંડિતોએ વડોદરા આર્ટિસ્ટ કૃષ્ણરાવ ચવ્હાણે તૈયાર કરેલી ગણપતિની શાસ્ત્રોકત મૂર્તિને પસંદ કરી હતી. ૧૯૪૦થી આજ દિવસ સુધી કૃષ્ણરાવે તૈયાર કરેલી ગણેશની મૂર્તિને પેલેસમાં સ્થાપિત કરવામાં આવે છે. કૃષ્ણરાવના નિધન બાદ તેમના પુત્ર માનસિંહ ચવ્હાણ ગણપતિ બાપ્પાની મૂર્તિ બનાવે છે. રાજવી પરિવારના રાજગુરૃએ બાપ્પાની પૂજા અને આરતી કરે છે.

વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે ગાયકવાડી શાસનકાળથી જ પેલેસમાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. વડોદરાના લોકો સુખ અને શાંતિથી રહે તે માટે ગણપતિ બાપ્પાને પ્રાર્થના કરવામાં આવે છે. આ દિવસો દરમિયાન વડોદરાના તમામ લોકો પેલેસની મુલાકાત લઇ શકે છે અને બાપ્પાના દર્શનનો લાભ લે છે. વડોદરાના રાજવી પરિવારના રાજગુરૃ ધ્રુવ દત્ત વ્યાસે જણાવ્યું હતું કે છેલ્લા ૪૦ વર્ષથી પેલેસમાં રાજગુરૃ તરીકે છું. અને દર વર્ષે ગણપતિ ઉત્સવમાં પૂજા-આરતી કરૃ છું. ગણપતિ બાપ્પાને રોજ ૨૧ લાડુનો નૈવેધ ધરાવવામાં આવે છે.

 

 પેલેસની મૂર્તિ બનાવતા મૂર્તિકાર માનસિંહ ચવ્હાણે જણાવ્યું હતું કે છેલ્લા ૭૫ વર્ષથી અમારો પરિવાર રાજવી પરિવારના ગણપતિની મૂર્તિ બનાવે છે તેનું મને ગર્વ છે. ગણપતિ બનાવવા માટેની માટી ભાવનગરથી મંગાવવામાં આવે છે. અને આ મૂર્તિને બનાવવાની શરૃઆત સારા મુહૂર્તમાં થાય છે અને સારા ચોઘડીયામાં જ મૂર્તિ બનાવવાનું કામ ચાલે છે જેને કારણે ગણપતિની મૂર્તિ બનાવતા ત્રણ મહિના જેટલો સમય લાગે છે.

You might also like