વડાપ્રધાનની 'મન કી બાત' પર પ્રતિબંધનો ચૂંટણીપંચનો ઈનકાર

નવી દિલ્હીઃ ચૂંટણીપંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ પર પ્રતિબંધ મૂકવાનો આજે ઈનકાર કર્યો હતો. બિહારમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાવાની સાથે મહાગઠબંધનમાં સામેલ પક્ષોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ સામે વાંધો ઉઠાવ્યો હતો. આ પક્ષોનું કહેવું છે કે આ કાર્યક્રમ ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન છે. ચૂંટણીપંચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કાર્યક્રમની વિષયવસ્તુમાં ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન થયેલું જણાશે તો જ આ માગણીને ધ્યાનમાં લેવામાં આવશે.  

આ કાર્યક્રમ બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને આચારસંહિતાનું ઉલ્લંઘન કરે છે તેમ જણાવીને કોંગ્રેસ તેની પર પ્રતિબંધ મૂકવા ચૂંટણીપંચ સમક્ષ માગણી કરી શકે છે તેવા અહેવાલો વચ્ચે ચૂંટણીપંચે પીએમના ‘મન કી બાત’ કાર્યક્રમ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની શક્યતાને નકારી કાઢી હતી. આ રવિવારે આ કાર્યક્રમનો નવો એપિસોડ પ્રસારિત થવાનો છે.  

અધિકારીએ કહ્યું હતું કે કેબિનેટ બેઠક અને મન કી બાત જેવા કાર્યક્રમ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી શકાય નહીં. પરંતુ ચૂંટણીપંચને એવું લાગે કે કેબિનેટનો નિર્ણય અથવા કાર્યક્રમની સામગ્રી આચારસંહિતાનું ઉલ્લંઘન કરે છે તો તે તેની નોંધ લેશે. તેમણે જોકે, સ્પષ્ટતા કરી હતી કે તેઓ હકીકત અંગે આ નિવેદન આપે છે. કોંગ્રેસ અથવા અન્ય કોઈ પક્ષ તરફથી આ પ્રકારની કોઈ માગણી કરવામાં આવી હોય તો તેની તેમને જાણ નથી.  

અધિકારીએ કહ્યું હતું કે આ પ્રકારની ફરિયાદ આવે તો ચૂંટણીપંચ કાર્યક્રમના રેકોર્ડિંગનો અભ્યાસ કરે છે અને ત્યારબાદ જ નિર્ણય લે છે.  તેમણે ઉમેર્યું કે હરિયાણા વિધાનસભા ચૂંટણી દરમ્યાન કોંગ્રેસે કાર્યક્રમ સામે આ પ્રકારની માગણી કરી હતી પરંતુ ચૂંટણીપંચને તેમાં કશું વાંધાજનક મળ્યું નહોતું.

કોંગ્રેસની પત્રકાર પરિષદમાં પક્ષના વરિષ્ઠ પ્રવક્તા આનંદ શર્માએ બિહાર વિધાનસભા ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી કાર્યક્રમ પર પ્રતિબંધની તરફેણ કરી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન દ્વારા જાહેર પ્રસારણના રાજકીય ઉદ્દેશો માટે થતા દુરુપયોગ સામે તેઓ વિરોધ વ્યક્ત કરે છે. તેઓ ભાજપના મુખ્ય પ્રચારક છે અને ચહેરો છે.  વડાપ્રધાને જ સદભાવ દર્શાવવી જોઈએ અને મહત્વની ચૂંટણી સમયે રેડિયો કાર્યક્રમથી દૂર રહેવું જોઈએ. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને ગઠબંધનના સહયોગીઓ ચૂંટણીપંચનો સંપર્ક કરશે.

 

You might also like