વકર્સ કોન્ટ્રાકટરની માફી યોજનાનો લાભ લેવાનું નબ‍ળું વલણઃ કાલે છેલ્લો દિવસ

અમદાવાદઃ રાજ્ય સરકારે સિવિલ વર્ક્સ કોન્ટ્રાકટર અને ડેવલપર્સ માટેની વધારેલી મુદતની માફી યોજના આવતીકાલે પૂરી થઈ રહી છે. ડિપાર્ટમેન્ટના જાણકારો પાસે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ નાણાવિભાગે ડેવલોપર્સ અને ડિલર્સને રજૂઆતને ધ્યાનમાં લઈને આ માફી યોજનાને એપ્રિલ બાદ લંબાવવામાં આવી હતી. પરંતુ અપેક્ષા મુજબનો પ્રતિસાદ સાંપડ્યો નથી. અને જાગૃતતા અભાવે વેપારી-ડિલર્સ આ માફી યોજનાનો લાભ લેવા આગળ આવ્યા નથી. 

ડિપાર્ટમેન્ટના સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર શહેરી વિસ્તારોમાં વર્ક્સ કોન્ટ્રાક્ટરો તરફથી આ માફી યોજનાનો લાભ લેવા જે વેપારીઓ આગળ આવ્યા છે તેની સરખામણીમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વેપારીઓ તરફથી જાગૃતતાના અભાવે આ માફી યોજનાનો લાભ લેવાનું નબળું વલણ જોવા મળી રહ્યું છે. નાના વેપારીઓને હજુ પણ આશંકા સેવાઈ રહી છે કે આ માફી યોજના થકી લેવાઈ રહેલી વિગતોનો ડિપાર્ટમેન્ટ ભવિષ્યમાં દુર ઉપયોગ કરી શકે છે તેથી આ યોજનાનો લાભ લેવા વેપારીઓ ઓછું પસંદ કરી રહ્યા છે.

ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં જીએસટીની તૈયારીઓ

આગામી એપ્રિલ ૨૦૧૬થી દેશભરમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ થવા જઈ રહ્યો છે. ઈન્કમટેક્સ વિભાગે આ અંગે જોરદાર તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ઈન્કેમટેક્સ વિભાગે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને ધ્યાનમાં લઈને એક નવું સોફ્ટવેર તૈયાર કર્યું છે. ઈન્કમટેક્સ બિઝનેસ એપ્લિકેશનના નામથી તૈયાર કરવામાં આવેલ આ નવા સોફ્ટવેરને આગામી ઓક્ટોબરથી લોન્ચ કરવાની સરકાર યોજના બનાવી રહી છે. આ સોફ્ટવેરથી ડિપાર્ટમેન્ટ ઈ-ફાઈલિંગ સિસ્ટમ સિવાય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને આરબીઆઈની ઓફિસને સાથે પણ જોડવામાં આવશે. આ પ્રકારના સોફ્ટવેરથી સૂચનાઓનું આદાનપ્રદાન ઝડપથી થઈ શકશે તથા ક્રોસ વેરીફિકેશન પણ ઝડપથી થશે તથા આ તો સોફ્ટવેરનો લાભ સરકારની વિવિધ એજન્સીને પણ મળશે.

You might also like