લો ગાર્ડનના નવરાત્રિ બજારમાં ચોરી કરતી મહિલા ગેંગ ઝડપાઈ

અમદાવાદઃ નવરાત્રિ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. નવરાત્રિની ચ‌િણયાચોળી અને શૃંગાર માટે પ્રખ્યાત લો ગાર્ડન વિસ્તારમાં આવેલા બજારમાં ખરીદી માટે લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે ત્યારે આવી ભીડભાડનો લાભ લઇ ચોરી કરતી છારા મહિલા ગેંગની નવરંગપુરા પોલીસે ધરપકડ કરી છે.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવરાત્રિની શરૂઆત થવા જઇ રહી છે ત્યારે લોકો નવરાત્રિ માટે ચ‌િણયાચોળી તેમજ અન્ય ચીજવસ્તુઓની ખરીદી માટે ઊમટી રહ્યા છે. લો ગાર્ડન વિસ્તારમાં ચ‌િણયાચોળીનું મોટું બજાર ભરાય છે.

આ બજારમાં નવરાત્રિની ખરીદીને લઇ ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે આ ભીડનો લાભ લઇ લોકોનાં પાકીટ, મોબાઇલ અને રોકડ રકમની ચોરી કરતી છારા મહિલા ગેંગ સક્રિય બની હોવાની બાતમી નવરંગપુરા પીએસઆઇ એમ. એમ. માલીવાડની ટીમને મળતાં પોલીસે વોચ ગોઠવી છ મહિલાની અટકાયત કરી હતી. પોલીસે આ મહિલાઓ પાસેથી અલગ અલગ રૂ.પ૧૦૦નો મુદ્દામાલ અને રોકડ રૂ.૩૩૦૦ કબજે કરી હતી. 

પોલીસના જણાવ્યા મુજબ આ મહિલા ગેંગ નવરાત્રિ બજારમાં ભીડનો લાભ લઇ તેમજ નેશનલ હેન્ડલૂમ જેવા વિસ્તારોમાં ભીડમાં લોકોની નજર ચૂકવી કીમતી ચીજવસ્તુઓની ચોરી કરતી હતી. પોલીસે તમામની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

(૧) વિજીતાબહેન અનીસભાઇ ઇન્દ્રેકર (છારાનગર)(ર) જયશ્રીબહેન ચીમનલાલ ઘાંચી (નોબલનગર)(૩) સુનીતાબહેન અભવેકર (કુબેરનગર)(૪) રેશમાબહેન શૈલેશભાઇ ઇન્દ્રેકર (છારાનગર)(પ) શિવાનીબહેન સાગરભાઇ છારા (છારાનગર)(૬) નિશાબહેન મેહુલભાઇ ઇન્દ્રેકર (છારાનગર)

You might also like