લોકોના વિરોધ વચ્ચે કિંગ સલમાનને ફ્રાન્સ છોડીને ભાગવું પડ્યું

પેરિસઃ સુરક્ષાને લઈને વિરોધ બાદ સાઉદી અરેબિયાના કિંગ સલમાન ફ્રેન્ચ રિવિએરામાં પોતાનું વેકેશન વચ્ચે છોડીને મોરક્કો ચાલ્યા ગયા છે. અધિકારીના જણાવ્યા અનુસાર કિંગ સલમાન ત્રણ સપ્તાહ માટે ફ્રાન્સના સમુદ્ર કિનારે વેકેશન ગાળવા આવ્યા હતા, પરંતુ આઠ દિવસ બાદ મોરક્કો જવા રવાના થઈ ગયા હતા.

કિંગ સલમાનની સાથે તેમના એક હજાર લોકોના ગ્રૂપ સાથે અડધા લોકો પણ વેકેશન મનાવવા આવ્યા હતા. કિંગ સલમાનના વેકેશનના કારણે વેલોરિસ સમુદ્ર કાંઠાને જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યાે હતો. સ્થાનિક બીચને બંધ કરી દેવાતા સામાન્ય લોકો રોષે ભરાયા હતા. આ નિર્ણયની વિરુદ્ધ દાખલ કરવામાં આ‍વેલી અરજી પર એક લાખ લોકોએ સહીઓ કરી હતી.

જે અંગત વિલામા કિંગ સલમાન ઊતર્યા હતા તેની બરાબર નીચે મિરાનડલ બીચ હતો અને અધિકારીઓએ કિંગ સલમાનની સુરક્ષા માટે આ બીચને જાહેર જનતા માટે બંધ કરી દીધો હતો. વહીવટી તંત્રના આ નિર્ણયને ટીકાકારોએ ફ્રાન્સમાં સમાનતાના અધિકારના ઉલ્લંઘન તરીકે ગણાવ્યો હતો.

કિંગ સલમાન માટે એક ખાસ અંગત લિફ્ટ બનાવવામાં આવી હતી જેનાથી લોકો ખુબ ગુસ્સામાં હતા. આગામી કેટલાક સપ્તાહમાં કિંગ સલમાનના વિલાને વચ્ચેથી જોડતી અંગત લિફ્ટ પણ હટાવી દેવામાં આવશે.

You might also like