લિવ ઈન છે ટાઈમપાસ રોમાન્સઃ કંગના

તનુ વેડ્સ મનુ રિટર્નની સફળતાની મજા માણી રહેલી કંગના રાણાવતની વધુ એક ફિલ્મ ‘કટ્ટી બટ્ટી’ આવી રહી છે.  ‘કટ્ટી બટ્ટી’માં તેની સાથે ઇમરાનખાન છે.  ‘કટ્ટી બટ્ટી’ એક વિશુદ્ધ પ્રેમકહાણી પર આધારિત છે, તેમાં કંગનાએ એક બિનધાસ્ત છોકરી પાયલનો રોલ કર્યો છે, જેને પ્રેમ પર વિશ્વાસ નથી. જે લિવ ઇન રિલેશનશિપને મહત્ત્વ આપે છે. બાદમાં બંનેને પ્રેમ થઇ જાય છે. ફિલ્મ થોડી હટીને છે.

લિવ ઇન રિલેશનશિપ અંગે પર્સનલી કંગના શું માને છે તે અંગે વાત કરતાં તે કહે છે કે તમે જ્યારે કોઇની સાથે ડેટ પર કે લિવ ઇનમાં હો છો ત્યારે તમારા મનમાં લગ્નનો ખ્યાલ આવતો નથી. તે સમયે જે રોમાન્સ હોય છે તે ટાઇમપાસ રોમાન્સ હોય છે, તેનું લાઇફમાં ખાસ કોઇ મહત્ત્વ નથી. તમને તે બધું તે સમય પૂરતું જ સારું લાગે છે.

આજે કંગના સફળ અભિનેત્રી બની ચૂકી છે. હવે તેને ફિલ્મો મેળવવામાં મુશ્કેલી પડતી નથી, પરંતુ તે શરૂઆતના સંઘર્ષના દિવસોને ભૂલી નથી. તે કહે છે કે તેની તુલના અત્યારના દિવસો સાથે થઇ પણ ન શકે. એક સમય હતો જ્યારે મારે બોલિવૂડમાં કામ મેળવવાનાં ફાંફાં પડતાં. હવે તેવું નથી, જોકે બોલિવૂડમાં ટકી રહેવું એટલું સરળ પણ નથી. ફિલ્મો બનાવવામાં બહુ પૈસા લાગે છે. ટેક્નોલોજીનો ઉપયોગ વધી ગયો છે. અભિનેતાઓને કાસ્ટ કરવા, દર્શકો સુધી સારી ફિલ્મો બનાવીને પહોંચાડવી એક કઠિન બિઝનેસ છે. કંગના માને છે કે તે હજુ બોલિવૂડમાં શીર્ષ સ્થાન પર પહોંચી નથી. હજુ તેની કરિયરનો ટોપ સમય આવ્યો નથી. 

You might also like