લાંબા આયુષ્ય માટે બપોરે ઝોકું જરૂરી

સૌરાષ્ટ્રના રાજકોટ સહિત અનેક નગરોમાં બપોરના ભોજન પછી ઓછામાં ઓછું અડધો કલાક ઊંઘ લેવાની સામાજિક પરંપરા છે. તે એટલી હદે કે બપોરે બધાં બજાર બંધ રહે. હવે જીવન દોડધામભર્યું થઈ જતાં લોકો બપોરની ઊંઘ છોડી રહ્યા છે, ત્યારે નિષ્ણાતો કહે છે કે, દોડધામ વધવાથી જ બપોરનું ઝોકું જરૂરી બન્યું છે.

બપોરની ઊંઘના લાભ વિષે અનેક સંશોધન થયાં છે, પરંતુ ગ્રીસના એથેન્સ નગરમાં આવેલી ‘આસ્ક્લેપિયન વૌલા જનરલ હોસ્પિટલ’ના કાર્ડિયોલોજિસ્ટ મનોલિસ કાલિસ્ટ્રાતોઝના તાજેતરના અભ્યાસનો ૩૦ ઓગસ્ટ, ૨૦૧૫નો અહેવાલ જણાવે છે કે, બપોરે સરેરાશ ૧૭ મિનિટનું ઝોકું લેવાથી લોહીનું દબાણ નોંધપાત્ર ઘટે છે અને હૃદયરોગ સહિતના રોગનું જોખમ ૧૦ ટકા ઘટી જાય છે. 

સંશોધક મનોલિસ કહે છે, ‘ધબકારની ગતિ ૧૧ ટકા ઓછી થાય છે અને ડાબી ધમનીનો વ્યાસ ૫ાંચ ટકા ઓછો થાય છે. એથી માણસના હૃદયને ખૂબ જ રાહત મળે છે અને તેનું આયુષ્ય લંબાય છે. હૃદયની તકલીફ હોય તેને દવાઓ લીધા વિના આરામ મળે છે.’

આ અગાઉ સાયકોલોજી ટુડેના સંશોધનમાં જણાયેલું કે, બપોરના ઝોકાથી મનોબળ મજબૂત બને છે. યુનિવર્સિટી ઓફ બર્કલેના અભ્યાસ મુજબ જ્ઞાનતંતુઓ શાંત બને છે. નેશનલ સ્લિપ ફાઉન્ડેશનના અભ્યાસ મુજબ કાર્યક્ષમતા ૩૪ ટકા અને સતર્કતા ૧૦૦ ટકા વધી જાય છે. જર્નલ ઓફ એપ્લાઈડ સાયકોલોજી મુજબ ૧૦થી ૧૫ મિનિટના ઝોકાથી યાદશક્તિમાં ખૂબ વધારો જોવા મળે છે.

આ બધા લાભ જાણવા છતાં બધા લોકોને બપોરનું ઝોકું મારવાની સગવડ મળતી નથી. નિષ્ણાતો કહે છે કે, એવા સંજોગોમાં ૧૦ મિનિટ આંખ બંધ રાખીને મૌન રહો. દરમિયાન એકથી ત્રણ ગણતાં ધીમે ધીમે શ્વાસ અંદર લો, એકથી છ ગણતાં ધીમે ધીમે શ્વાસ છોડો. આમ કરવાથી ઝોકું મારવા જેટલો લાભ નહીં થાય, પરંતુ તમારી કાર્યક્ષમતા અને મનોબળમાં વધારો જરૂર થશે.

 

You might also like