લશ્કરે મ્યાનમારની સરહદમાં ઘૂસીને પીએલએના ત્રણ ત્રાસવાદીને ઠાર માર્યા

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ ફરી એકવાર મ્યાનમારમાં ઘૂસીને ત્રણ ત્રાસવાદીને ઢાળી દીધા છે. ભારતીય લશ્કર અને આસામ રાઇફલ્સ દ્વારા આ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઠાર માર મારવામાં આવેલા ત્રણેય ત્રાસવાદી પિપલ્સ લિબરેશન આર્મીના હતા. આ ઓપરેશનને વાસ્તવમાં શનિવારે અંજામ આપવામાં આવ્યો હતો.

જોકે તેની સત્તાવાર જાહેરાત સોમવારે કરવામાં આવી હતી. લશ્કરી સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ભારતીય સેનાએ મ્યાનમારની સરહદમાં ૨.૮ કિ.મી. અંદર ઘૂસીને ત્રણેય ત્રાસવાદીને ઠાર માર્યા હતા. આ ઓપરેશન દિવસે જ હાથ ધરવામાં આવ્યું હતું. 

ઓપરેશનને આસામ રાઇફલ્સની ૧૧મી બટાલિયન અને છ ડોગરા રેજિમેન્ટના જવાનોએ અંજામ આપ્યો હતો. આ અગાઉ ૮ જૂને પણ ભારતીય લશ્કરે મ્યાનમારની સરહદમાં ઘૂસીને કેટલાય ત્રાસવાદીઓને ઠાર માર્યા હતા. ૪ જૂને લશ્કરના કાફલા પર થયેલા હુમલામાં ૧૮ જવાન સહિત થયા હતા અને લશ્કરે આ ઓપરેશન કરીને તેનો બદલો લીધો હતો. લશ્કરના એક પ્રવકતાએ જોકે દિલ્હીમાં જણાવ્યું હતું કે આ કાર્યવાહી મ્યાનમારની સરહદ પાસે કરવામાં આવી હતી. જવાનોએ મ્યાનમારની સરહદમાં પ્રવેશ કર્યો ન હતો.

You might also like