લલિત મોદી અને પ્રીતિ ઝિન્ટા વચ્ચે સોદાબાજી ચાલતી હતી    

નવી દિલ્હી: અંગ્રેજી અખબારે કેટલાંક લીક થયેલી ઈ-મેઈલ્સના આધારે ઘટસ્ફોટ કર્યો છે કે આઈપીએલના ભૂતપૂર્વ કમિશ્નર લલીત મોદી અને ટીમ કિંગ્સ ઈલેવન પંજાબની સહમાલકણ પ્રીતિ ઝિન્ટા વચ્ચે વ્યાવસાયિક સંબંધો હતા અને અમુક ડીલ બાબતે તેમને ચર્ચા થઈ હતી. આ વર્ષે ૧૯મી મેએ ઓસ્ટ્રેલિયાના એક વકીલે લલિત મોદી અને તેના ભાઈ સમીર મોદીને એક મેઈલ કર્યો હતો. જેમાં મોદીની આઈપીએલની ત્રણ ટીમમાં લાભદાયી હિત અને એક ડીલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. લલિત મોદીની આઈપીએલની ટીમોમાં હિતની વાત નવી નથી. પણ ત્યારે ખુલાસો નહોતો થયો કે તેનું પંજાબ ટીમમાં હિત છે અને એક ડીલ માટે પ્રીતિ ઝિન્ટા સાથે સંપર્કમાં છે. અહેવાલ પ્રમાણે પંજાબ ટીમની સહમાલિક પ્રીતિ ઝીન્ટા અને ટીમ સાથે જોડાયેલા અન્ય તથા સંજીવ સાહની લલિત મોદી માટે કામ કરતા હતા. પ્રીતિ ઝીન્ટાએ ૨૦૧૪ની ૨૧ નવેમ્બરે લલિત મોદીને ‘હાય લલિત, તારી જાણકારી માટે’ ની એક નોટ સાથે એક ડીલ વિશે મેઈલ કર્યો હતો. જેમાં તેણે લખ્યુ હતું કે આવતા અઠવાડિયે અમે પેપરવર્ક પૂરું કરી લઈશુ અને સોદા વિશે ફાઇનલ ટાઈમલાઈન નક્કી કરી લઈશું. પ્રીતિએ તેની મેઈલમાં એક અજાણી વ્યકિતનો ઉલ્લેખ કરતા વધુ લખ્યુ હતું કે એ વ્યકિત અનુભવી છે અને પંજાબી બેકગ્રાઉન્ડ ધરાવે છે અને ક્રિકેટ બોર્ડ દ્વારા પણ તેની પૂરતી તપાસ કરવામાં આવી છે. આ બાબતે તમારો અભિપ્રાય જાણવા માગુંુ છું અને હા, આ વાત તારા સુધી જ સીમીત રાખજે અને જયાં સુધી સોદો ફાઈનલ ન થઈ જાય અને એના પર અમારી અને ક્રિકેટ બોર્ડની સહી ન થઈ જાય ત્યાં સુધી આ વાતની કોઈને ખબર ન પડવી જોઈએ. એ વ્યકિત સોદાના પૈસા ત્રીજી વ્યકિત પાસે પણ જમા કરાવવા તૈયાર છે. હવે આપણે આ ડીલ ફાઈનલ કરી લેવું જોઈએ. પ્રીતિ ઝિન્ટાએ મેલની કોપી મોહિત બર્મન, ગૌરવ બર્મન, કપિલ ખન્ના અને નેસ વાડિયાને પણ મોકલી હતી.આ ઘટસ્ફોટ બાબતે ખુલાસો કરતા પ્રવકતાએ જણાવ્યું હતું કે આ મેઈલ દ્વારા એક ઓફર મળી હતી. એ વિશે સામાન્ય તપાસથી વિશેષ કંઈ નથી. પંજાબ ટીમમાં ફકત પ્રીતિ ઝીન્ટા, નેસ વાડીયા, મોહિત બર્મન અને કરણ પોલ જ ભાગીદાર છે. લલિત મોદીને કંઈ જ લેવાદેવા નથી અને એ વિશે વધુ તપાસ કરવાની પણ જરૃર નથી. ૨૦૦૮માં આઈપીએલની શરૃઆત થઈ અને પંજાબને ટીમ ફાળવવામાં આવી ત્યારે લલિત મોદી કમિશનર હતા. આ બાબતે લલિત મોદીને પૂરતો અનુભવ અને માહિતી હોવાથી અમને મળેલી ઓફર વિશે ટીમે તેનો અભિપ્રાય માંગ્યો હતો. એથી વિશેષ કંઈ જ નહોતું. અંગત મેલ લીક થવા વિશે નારાજગી વ્યકત કરતા પ્રવકતાએ જણાવ્યુ હતું કે પંજાબ ટીમ આ મેલ લીક થવાથી નારાજ છે અને લીક થયેલી અમુક માહિતીને આધારે તર્કવિતર્ક થતા આશ્ચર્ય થઈ રહ્યું છે. લલિત મોદીને ટીમ અને ભાગીદારી સાથે કંઈ જ લેવા દેવા નથી.
 
You might also like