ર૬/૧૧ બાદ ભારતે પાક. પર હવાઈ હુમલા કરવાની યોજના ઘડી હતી

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ વિદેશ પ્રધાન ખુરશીદ મહેમુદ કસુરીએ એવો દાવો કર્યો છે કે મુંબઇ પર થયેલા ર૬/૧૧ના ત્રાસવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં લશ્કર અને જમાત-ઉદ-દાવાના અડ્ડાઓ પર હવાઇ હુમલા કરવાનો પ્લાન બનાવ્યો હતો.

એક ભારતીય અંગ્રેજી ચેનલ સાથેની વાતચીતમાં કસુરીએ જણાવ્યું હતું કે મુંબઇ હુમલા બાદ અમેરિકાના પ્રમુખપદના પૂર્વ ઉમેદવાર જ્હોન મેકેનની આગેવાનીમાં એક અમેરિકી પ્રતિનિધિમંડળે તેમની મુલાકાત લીધી હતી. આ ડેલિગેશને એવી શંકા વ્યકત કરી હતી કે ભારત લાહોરની નજીક જમાત-ઉદ-દાવા અને લશ્કર-એ-તોઇબાના વડામથક પર હવાઇ હુમલા કરી શકે છે.

કસુરીના જણાવ્યા અનુસાર અમેરિકી ડેલિગેશનમાં રિપબ્લિકન સેનેટર લિન્ડસે ગ્રાહમ અને રિચર્ડ હોલબ્રુક ઉપરાંત અફઘાનિસ્તાન-પાકિસ્તાન સ્થિત અમેરિકાના સ્પેશિયલ પ્રતિનિધિઓનો પણ સમાવેશ થતો હતો. કસુરીએ જણાવ્યું હતું કે મેકેને મને એવું કહ્યું હતું કે અમે ભારતથી આવીએ છીએ, જ્યાં પાકિસ્તાન વિરુદ્ધ ભારે રોષ પ્રવર્તે છે. ભારત કદાચ જમાત-ઉદ-દાવા પર હવાઇ હુમલા કરશે. કસુરીના જણાવ્યા પ્રમાણે તેમણે મેકેનને એવું કહ્યું હતું કે જો આવું થશે તો પાકિસ્તાન લશ્કર પણ તેનો સજ્જડ જવાબ આપશે.

PoK પાછું લેવું એ જ હવે એકમાત્ર ઉકેલ: સંઘનવી દિલ્હી: આરએસએસના મુખપત્ર ઓર્ગેનાઇઝરમાં જણાવાયું છે કે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરને પાક.ના ગેરકાયદેસર કબજાથી મુક્ત કરાવવું એ જ કાશ્મીર મુદ્દાનો એકમાત્ર ઉકેલ છે. મુખપત્રમાં જણાવાયું છે કે ત્રાસવાદનું કેન્દ્ર પાકિસ્તાન છે એ વાત હવે જગજાહેર બની ગઇ છે. જ્યારે બીજી બાજુ ભારત વૈશ્વિક ફલક પર શકિતનું કેન્દ્ર બની રહ્યું છે. ઓર્ગેનાઇઝરના તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું છે કે હવે પાક. હસ્તકના કાશ્મીરને પાકિસ્તાનના ગેરકાયદે કબજામાંથી મુક્ત કરાવવું એ ઘણા લાંબા સમયથી પડતર આ મુદ્દાનો એકમાત્ર ઉકેલ છે.

આરએસએસએ એવું જણાવ્યું છે કે  પાકિસ્તાને કાશ્મીરમાં જનમત સંગ્રહ કરાવવાની માગણી સાથે સંયુકત રાષ્ટ્ર મહાસભામાં પરંપરાગત રીતે આ મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ નવાઝ શરીફ હવે પહેલાંની જેમ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ધ્યાન ખેંચવામાં નિષ્ફળ ગયા છે.  

મુખપત્રમાં એવું પણ જણાવાયું છે કે પાકિસ્તાનની પાશવતા અને પાક.હસ્તકના કાશ્મીરમાં ઇસ્લામાબાદ વિરુદ્ધ જબરદસ્ત દેખાવોનો વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ બન્યો છે. 

 

You might also like