રોહિત શર્મા લગ્ન પછી રૂ. ૩૦ કરોડના નવા ફ્લેટમાં રહેવા જશે

મુંબઈઃ ભારતીય ક્રિકેટર રોહિત શર્માએ મુંબઈના પોશ વર્લી વિસ્તારમાં ૩૦ કરોડ રૂપિયામાં ચાર બેડરૂમનો ફ્લેટ ખરીદ્યો છે. આ ફ્લેટની સામે અરબી સમુદ્ર છે. રોહિતે આ ફ્લેટ ૫૩ માળના ‘આહુજા’ ટાવર્સમાં ખરીદ્યો છે, જેનું નિર્માણ આહુજા કન્સ્ટ્રક્શને કર્યું છે. આહુજા કન્સ્ટ્રક્શને એક યાદીમાં જણાવ્યું છે કે આ કરાર ૩૦ કરોડ રૂપિયામાં થયો છે, કારણ કે પ્રોજેક્ટ માલિકી હક લેવા માટે તૈયાર છે અને તેને તમામ પ્રમાણપત્ર મળી ચૂક્યાં છે. આ ચાર બેડરૂમવાળો ફ્લેટ ૨૯મા માળ પર છે અને ફ્લેટમાંથી સી લિન્ક અને શહેરનો નજારો જોઈ શકાય છે.
આ ફ્લેટ ૫૭૦૦ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે. લીવિંગ રૂમનો એરિયા લગભગ ૭૫૦ સ્ક્વેર ફૂટ છે. બાલકનીમાં વોલ માટે ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીંની બાલકનીમાંથી ૨૭૦ ડિગ્રી વ્યૂ મળે છે. અહીંથી બાંદ્રા વર્લી સી લિન્ક નજરે પડે છે. માસ્ટર બેડરૂમ કોઈ ફાઇવ સ્ટાર હોટલથી કમ નથી. આ લગભગ ૫૯૦ સ્ક્વેર ફૂટનો બેડરૂમ છે. બેડરૂમમાંથી જ સિટી વ્યૂ મળે છે.માસ્ટર બાથરૂમમાં ઇમ્પોર્ટેડ માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં માર્બલ અને વૂડવર્કનું સુંદર કોમ્બિનેશન છે. અા ફ્લેટમાં બે કિચન છે. વેટ કિચન અને ડ્રાય કિચન. ડાઇનિંગ એરિયા કિચનની નજીક છે, પરંતુ લિવિંગ એરિયાને કિચનથી થોડો દૂર રાખવામાં આવ્યો છે. આહુજા ટાવર્સમાં ક્લબ હાઉસ અને એન્ટરટેઇન્મેન્ટ એરિયા પણ છે. અહીં યોગરૂમ, મિનિ થિયેટરની સુવિધા પણ છે. હાઈ પ્રોફાઇલ લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અહીં બિઝનેસ એરિયા પણ આપવામાં આવ્યો છે.
 

You might also like