રોજગારમાં સુધારાની સાથે ધીમે ધીમે વ્યાજદર વધશેઃ ફેડરલ રિઝર્વ

અમદાવાદઃ અમેરિકી સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વની બેદિવસીય બેઠક બાદ વ્યાજના દરમાં કોઇ જ ફેરફાર નહીં કરવાનો નિર્ણય કરાયો છે એટલે કે વ્યાજના દર ૦.૦થી ૦.૨૫ ટકા યથાવત્ રહેશે.

બેઠકમાં જણાવાયું છે કે રોજગારીમાં જેમ જેમ સુધારો થશે તેમ તેમ વ્યાજના દરમાં વધારો કરવા સંબંધી નિર્ણય લેવામાં આવશે. ફેડરલ રિઝર્વને આશા છે કે મોંઘવારીનો દર નીચો જ રહેશે. ફેડનું કહેવું છે કે બે ટકા મોંઘવારીનો લક્ષ્યાંક હાંસલ કર્યા બાદ જ વ્યાજના દરમાં વધારો થશે. વૈશ્વિક ક્રૂડના ભાવ નીચા રહેવાના કારણે મોંઘવારીનો આંક બે ટકાના લક્ષ્યાંક કરતાં નીચો છે. કન્ઝ્યુમર સેન્ટિમેન્ટમાં સુધારો જોવાઇ રહ્યો છે, પરંતુ દેશની ઇકોનોમીમાં હજુ પણ ધીમો સુધારો નોંધાઇ રહ્યો છે.

દરમિયાન ફેડરલ રિઝર્વના ચેરમેને બેઠક બાદ કહ્યું કે અમેરિકાની ઇકોનોમીમાં સુધારો થઇ રહ્યો છે. ઇકોનોમી ડેટામાં સુધારો એ વાતને સમર્થન આપે છે. હાઉસિંગ અને કન્ઝ્યુમર ખર્ચ પણ વધી રહ્યો છે. બેરોજગારીનો આંક વર્ષ ૨૦૦૮માં ૧૦ ટકા હતો, જે વધુ ઘટીને હવે ૫.૩ ટકાની સપાટીએ આવી ગયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે વ્યાજદર સંબંધી નિર્ણય ચાલુ વર્ષના અંત સુધીમાં લઇ લેવામાં આવશે.

You might also like