રેપ કેસમાં નિર્દોષ જાહેર થતા ૨૦૦ કરોડનું વળતર માંગ્યું

મુંબઈ : મુંબઈમાં બળાત્કારનો આરોપી નિર્દોષ જાહેર થતા હવે તેના દ્વારા ૨૦૦ કરોડનો વળતર દાવો કરવામાં આવ્યો છે. ૨૦૦૯માં ગોપાલ શેટ્ટેને બળાત્કારના આરોપમાં સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી. છ વર્ષ જેલવાસ ભોગવ્યા બાદ નિર્દોષ જાહેર થયો છે. ગોપાલે એવી દલીલ કરી છે કે જિંદગીના મહત્ત્વપૂર્ણ છ વર્ષ જેલમાં વેડફાય છે તેનો હિસાબ ગણીને ૨૦૦ કરોડનું વળતર માંગ્યુ છે એટલું જ નહીં. સજા ફટકારનાર સેશન્સ જજ, સરકારી વકીલ તથા તપાસ અધિકારી વિરૂદ્ધ કાર્યવાહીની પણ માંગ કરી છે.

મુંબઈમાં કાંઈક કરી બતાવવાનું સ્વપ્ન લઈને આવેલા ગોપાલ શેટ્ટે પર બળાત્કારનો કેસ થયો હતો. તેના આઘાતમાં પિતાનું મોત થયું હતું. પત્ની ઘર છોડી ગઈ હતી અને સંતાનોને અનાથાશ્રમનું શરણ લેવું પડ્યું હતું. આમ છતાં હિંમત હાર્યા વિના તેણે જેલમાં બેઠા-બેઠા નિર્દોષ હોવાના પૂરાવા એકઠા કર્યા હતા. પૈસા ન હતા એટલે પોતાના કેસમાં ખુદ પોતે જ દલીલો કરી હતી.

આ કેસમાં ઘાટકોપર રેલવે સ્ટેશને એક યુવતી પર બળાત્કાર થયો હતો. આરોપી તરીકે ગોપીનું નામ દર્શાવવામાં આવ્યું હતું. પોલીસે ગોપાલને ગોપી સમજીને આરોપી બનાવી દીધો હતો. પોતે ગોપી નથી અને નિર્દોષ હોવાની વાત સ્વીકારી ન હતી. બળાત્કાર પીડિતા ગોપાલને ઓળખી શકી ન હતી છતાં આંગળીના ઈશારાના આધારે પોલીસે તેને આરોપી બનાવી દીધો હતો.

 

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગોપાલને આરોપી બનાવી દીધો હતો. અદાલતમાં સીસીટીવી ફૂટેજ મંગાયા હતા. વાસ્તવમાં આ ફુટેજ બળાત્કારની ઘટનાના ન હતા તેના આધારે આરોપીને નિર્દોષ જાહેર કરાયો હતો.

You might also like