રૂ.૩.૮પ કરોડના લાંચ કેસમાં ખનીજ વિભાગના મુખ્ય સચિવ સહિત ૭ની ધરપકડ

જયપુરઃ ભ્રષ્ટાચારના કેસમાં એસીબીએ અત્યાર સુધીમાં સૌથી મોટી કાર્યવાહી કરીને રાજસ્થાનના ખનન વિભાગના મુખ્ય સચિવ અશોક સિંઘવી, એડિશનલ ડાયરેકટર પંકજ ગેહલોત અને એક એન્જિનિયર સહિત સાત લોકોની રૂ.૩.૮પ કરોડની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરી છે. આરોપીઓના ઘરેથી રૂ.૪.રપ કરોડ તો રોકડા મળ્યા છે. 

આમાં રૂ.ર.પપ કરોડ બંધ ખાણોને ચાલુ કરવા માટેની લાંચરૂપે આપવામાં આવ્યા હતા. આ રકમ એસીબીએ સીએ શ્યામસુંદર અનેે વિભાગના એન્જિનિયર પુષ્કરરાજ આમેટાને ત્યાંથી જપ્ત કરી હતી. બાકીના રૂ.૧.૭૦ કરોડ અન્ય આરોપીઓના ઘરેથી જપ્ત કરાયા છે. 

અહેવાલો અનુસાર ખાણ વિભાગના મુખ્ય સચિવ અશોક સિંઘવી લાંચની અડધી રકમ પોતાની પાસે રાખતા હતા અને બાકીની રકમ અન્ય અધિકારીઓમાં વહેંચતા હતા. સિવિલ લાઇન્સમાં સિંઘવીના ચાર બંગલા હોવાની જાણકારી મળી છે. આ તમામ બંગલા તેમની પત્નીને નામે છે. એસીબીના ડાયરેકટર જનરલ નવદીપસિંહે અશોક સિંઘવીની ધરપકડને સમર્થન આપતાં જણાવ્યું હતું કે આ અંગે હજુ કાર્યવાહી જારી છે અને હજુ નવા ચોંકાવનારા ખુલાસા થઇ શકે છે.

એસીબીની નવ ટીમે ઉદયપુર અને ભીલવાડામાં કાર્યવાહી કરી હતી. ઉદયપુરમાં ખાણના માલિક શેરખાનનો સીએ શ્યામસુંદર અને દલાલ સંજય શેઠ્ઠી રૂ.ર.પપ કરોડની લેવડદેવડ કરતાં ઝડપાઇ ગયા હતા. ભીલવાડામાં શેરખાનનો કર્મચારી રશીદ અને એન્જિનિયર પુષ્કર રાજની ધરપકડ કરવામાં આવી છે. મોડી રાત્રે શેરખાનને પણ ઝડપી લેવાયો છે. 

ફોન ટેપિંગમાં એવો પર્દાફાશ થયો છે કે મુખ્ય સચિવ અશોક સિંઘવી માટે દલાલ સંજય શેઠ્ઠી છેલ્લા ૧૧ મહિનાથી મોટા મોટા ખાણના માલિકો પાસેથી ઉઘરાણું કરતો હતો. જે ખાણ માલિક પૈસા આપતા નહોતા તેમની ફરિયાદ અશોક સિંઘવીને કરતો હતો અને ત્યાર બાદ સંબંધિત જિલ્લાના ખાણ વિભાગના એન્જિનિયર દ્વારા નોટિસ આપવામાં આવતી હતી. ડીલ થયા બાદ સિંઘવીને જાણ કરવામાં આવતી હતી અને રોકડ રકમ તેમને પહોંચાડી દેવામાં આવતી હતી.  એસીબીએ ૧,૦૦૦ કોલ ટ્રેસ કર્યા બાદ આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

વચેટિયાઓના ઘરે નોટો ભરેલા કોથળા પકડાયા હતા અને એસીબીને નોટોની ગણતરી કરવા માટે મશીનો મંગાવવાં પડયાં હતાં. અનેક કર્મચારીઓને નોટો ગણવા માટે બેસાડવામાં આવ્યા હતા. એડિશનલ ડાયરેકટર પંકજ ગેહલોત ખાણોનું એલોટમેન્ટ કરતા હતા. એક વેપારી પાસે તેમણે રૂ.ર૦ કરોડ માગ્યા હતા અને પ્રથમ હપ્તા તરીકે રૂ.ર.પ કરોડ આપવાના હતા ત્યારે પંકજને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો.

You might also like