રિલીફ રોડનું એકમાત્ર થિયેટર ‘રૂપમ’ પણ બની જશે ભૂતકાળ

અમદાવાદઃ એક જમાનાના અમદાવાદ શહેરની શાન ગણાતા આશ્રમ રોડ અને રિલીફ રોડ પર આવેલા ભવ્ય સિનેમા ઘરો હવે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં રૂપાંતરિત થઇને ભૂતકાળ બની ગયાં છે ત્યારે અત્યારે એકમાત્ર બચી ગયેલું અને હજારો લોકો આજે પણ જ્યાં પિક્ચર જોવાની મજા માણી રહ્યા છે તે રિલીફરોડ ઉપરનું રૂપમ થિયેટર હવે છેલ્લી ફિલ્મ ‘સિંગ ઇઝ બ્લિંગ’ પ્રદર્શિત થયા બાદ લુપ્ત થવાની દિશામાં પગરણ માંડશે અને તે પણ અન્ય થિયેટરની જેમ હવે ભૂતકાળ બની જશે. આ થિયેટરનું સ્થાન બહુ જ ટૂંકા ગાળામાં હવે કોમર્શિયલ કોમ્પ્લેક્સ લઇ લેશે.

એક જમાનાના મશહુર ગણાતા આશ્રમ રોડ ઉપરનાં થિયેટરો દિપાલી સિનેમા, નટરાજ સિનેમા અને રિલીફ રોડ પરની લક્ષ્મી ટોકીઝ, રિલીફ ટોકીઝ, રૂપાલી થિયેટરી, એડ્વાન્સ થિયેટર અને હવે એક માત્ર બચેલું રૂપમ થિયેટર પણ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પરિવર્તિત થઇ જશે.

રૂપમ થિયેટરનો સ્ટાફ સમભાવ મેટ્રો સાથે વાત કરતા ભાવુક થઇ ગયો હતો. તેમને નોકરીની ફિકર નહોતી, પરંતુ તેમની જિંદગી અને જે ક્ષણો અહીં વીતી છે તે માત્ર યાદ બની જવાની, વિખૂટા પડી જવાની ભાવના તેમની આંખોમાં ડોકાતી હતી.

રૂપમ થિયેટર બે રીતે પ્રખ્યાત છે. એક તો ત્યાં રિલીઝ થતાં પિક્ચર્સ માટે અને ખાસ કરીને ગુજરાતી ફિલ્મોના પ્રિમિયર માટે અને બીજું આ થિયેટરના જ કંપાઉન્ડમાં  જૈનોની આસ્થા સમાં વર્ષો પુરાણા મંદિર ‘મણિભદ્ર દેવ’નું મંદિર આવેલું છે, જેનો મુખ્ય રસ્તો નાગોરી શાળા ગલીથી આવે છે, પરંતુ ગુરુવાર આ મંદિર ભક્તો માટે આસ્થા સમાન હોઇ રાત્રિના ૧૧ વાગ્યા સુધી ભક્તો આ મંદિરે દર્શન અર્થે આવે છે. તેના માટે સ્પેશિયલી ગુરુવારે રૂપમ થિયેટરના માલિક મંદિર માટે રસ્તો દરવાજો ખોલી આપે છે. એટલુંજ નહીં ભાવિકોનાં વાહનો પણ પેઈડ પાર્કિંગમાં ફ્રીમાં પાર્ક કરવા દઇને એકતાનો સંદેશો આપે છે.

 

You might also like