રિયો ઓલિમ્પિકમાં જવા માટે શરૂ થઈ ફરિયાદોની ‘રમત’

નવી દિલ્હીઃ આગામી વર્ષે રિયોમાં યોજાનારા ઓલિમ્પિક રમતોત્સવમાં જવા માટે એક વર્ષ પહેલાંથી જ રમત શરૂ થઈ ગઈ છે. આના માટે સ્પર્ધકો જૂની ફરિયાદોને ફરીથી રમત સચિવ અને ‘સાઇ’ની ઓફિસમાં પહોંચાડીને યોગ્ય ઉમેદવારોનો રસ્તો રોકવાની કોશિશ કરી રહ્યા છે. નિશ્ચિત રીતે જ આ રમતથી રિયો ઓલિમ્પિકમાં ભારતની મેડલ જીતવાની શક્યતાઓ પર અસર પડશે એ નક્કી છે. આ રમતનો સૌથી પહેલો શિકાર બન્યા છે દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં બે મેડલ જીતનારા જિમ્નાસ્ટ આશિષકુમારના કોચ મનોજ રાણા.મનોજ અને એક અન્ય જિમ્નાસ્ટ ચંદન પાઠક પર ગત વર્ષે ઇંચિયોનમાં એશિયન ગેમ્સ પહેલાં ત્યાં પ્રેક્ટિસ કરનારી એક મહિલા જિમ્નાસ્ટે અભદ્રતા અને ધમકી આપવાનો આરોપ લગાવીને આઇપી સ્ટેટ થાનામાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ ‘સાઇ’એ તપાસ કરાવી, જેમાં એ બંને વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નહોતા અને એવા સંકેતો મળ્યા હતા કે ભારતીય જિમ્નાસ્ટિક્સ સંઘ સાથે સંકળાયેલી કોઈ વ્યક્તિએ આ બંનેની છબિ ખરાબ કરવા માટે આવું કર્યું હતું. જોકે પોલીસ હજુ પણ તપાસ કરી રહી છે. આને કારણે મનોજને ઇંચિયોન એશિયન ગેમ્સ અને વિશ્વ ચેમ્પિયનશિપથી હાથ ધોઈ નાખવા પડ્યા હતા, જોકે ક્લીનચિટ મળ્યા બાદ તેઓ કેરળમાં યોજાયેલી નેશનલ ગેમ્સમાં સેનાના કોચ બનીને ગયા હતા અને ત્યાં તેમની ટીમ ચેમ્પિયન પણ બની હતી.ત્યાર બાદ તા. ૧ જૂનથી ઓલિમ્પિકની તૈયારીમાં વ્યસ્ત જિમ્નાસ્ટિક્સ શિબિરમાં પણ મનોજ કોચ તરીકે સામેલ થયા. ત્યાર બાદ જાપાનમાં યોજાયેલી એશિયન જિમ્નાસ્ટિક્સ ચેમ્પિયનશિપમાં પણ તેઓ કોચ તરીકે ગયા. મનોજને જાપાનથી પાછા ફર્યા બાદ જાણવા મળ્યું કે કોઈએ એ મામલાને ફરીથી ‘સાઇ’ના કાર્યાલય સુધી પહોંચાડી દીધો છે. ત્યાર બાદ ‘સાઇ’એ મનોજને શિબિરમાંથી હટાવી દીધો. સાઇના એક અધિકારીએ કહ્યું, અમારી પાસે ફરીથી ફરિયાદ આવી છે. હમે આંતરિક તપાસ કરી રહ્યા છીએ અને તપાસમાં જો કંઈ નહીં મળે તો કોચને પાછા બોલાવી લઈશું અને જો ચેતવણી આપવા જેવું કંઈ લાગશે તે ચેતવણી આપી દઈશું. આ ફરિયાદ ત્રીજા પક્ષ તરફથી આવી છે. આથી બની શકે કે જાણીજોઈને કોઈને ટાર્ગેટ કરાઈ રહ્યા હોય. જ્યારે આશિષે ‘સાઇ’ને પત્ર લખીને કહ્યું છે કે મનોજને શિબિરમાંથી હટાવવાથી મારી ઓલિમ્પિકની તૈયારીઓ પર અસર પડી રહી છે. આશિષે મનોજની શિબિરમાં વાપસીની માગણી કરી છે. મનોજના ગયા બાદથી જિમ્નાસ્ટિક્સમાં ભારતના મેડલની આશા ધૂંધળી થઈ રહી છે.
You might also like