રાહુલ સામે સંઘનું નિશાનઃ મિ.ઈન્ડિયા ગાયબ થઈ ગયા

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ બિહાર વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સામે નિશાન તાકતાં જણાવ્યું હતું કે અખાડેબાજના સાથી હજુ મુકાબલો ગરમાય તે પહેલાં જ નૌકાને કિનારે છોડી ચાલ્યા ગયા છે.

સંઘના મુખપત્ર પંચજન્યના તંત્રી લેખમાં રાહુલનું નામ લીધા વગર જણાવાયું છે કે ધોતી અને સૂટવાળા નિવેદનની વાત ૧૭મી વખત બોલીને યુવરાજ હવે વિદેશ ચાલી ગયા છે. બુઝુર્ગ પાર્ટીના જવાન મિ.ઇન્ડિયા હંમેશની જેમ વધુ એક વખત બરાબર યોગ્ય સમયે જ અચાનક કોઇ પણ સુરાગ છોડયા વગર ગાયબ થઇ ગયા છે.

રાહુલ પર પ્રહારો જારી રાખતાં જણાવાયું છે કે માત્ર ૪૧ બેઠક પર દાવેદારી સાથે દેશની સૌથી જૂની પાર્ટી ઐતિહાસિક શરમ સાથે મજધારમાં પણ નથી. માત્ર કિનારા પર છે અને ખલાસી નૌકા છોડીને કયાંય ચાલ્યા ગયા છે. હંમેશની માફક આ પાર્ટીની ડોલી ઊંચકવાની જવાબદારી વૃદ્ધ ખભા પર આવી પડી છે.

પંચજન્યના તંત્રી લેખ ‘ડર ગહરા હૈ’માં દિલ્હીના મુખ્યપ્રધાન અને આપના નેતા અરવિંદ કેજરીવાલ સામે પણ તેમનું નામ લીધા વગર નિશાન તાકવામાં આવ્યું હતું. તેમાં જણાવાયું હતું કે ર૭ ઓગસ્ટના રોજ પાટલીપુત્રમાં સુશાસનબાબુ (નીતીશકુમાર)ની સાથે સુશાસનના જ સેમિનારમાં સમર્થન આપીને દિલ્હી પરત ચાલ્યા ગયા છે. બિહારમાં ચારા ચરનાર અને દિલ્હીમાં ભ્રષ્ટાચાર કરનાર સાથે સંપૂર્ણ ભાઇચારો બતાવવા છતાં કેજરીવાલ હવે એ પૂર્વ તરફ જોવા તૈયાર નથી.

You might also like