રાહુલ ગાંધી એસ્પનમાં છે : ફોટાઓ જારી થયા

નવી દિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીની દેશમાં ગેરહાજરીને લઈને નવા તર્ક વિતર્કોનો દોર શરૃ થયો છે. તર્ક વિતર્કોના દોર વચ્ચે કોંગ્રેસના નાયબ અધ્યક્ષે ટ્વિટર ઉપર એક ફોટો જારી કર્યો છે. જેમાં તેઓ વિદેશમાં એક પત્રકાર પરિષદમાં ભાગ લેતા નજરે પડી રહ્યા છે. રાહુલ ગાંધીની ઓફિસ તરફથી જારી કરવામાં આવેલા ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, એસ્પનમાં ટેકનોલોજી કોન્ફરન્સમાં રાહુલ ગાંધી ભાગ લઈ રહ્યા છે જેનો આ ફોટો જારી કરાયો છે.

ટ્વિટર પર જારી કરવામાં આવેલા ફોટામાં કહેવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધી કોલોરાડોમાં ન્યૂ મીડિયા ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં હાજરી આપી રહ્યા છે. આ અગાઉ ભાજપે રાહુલ ગાંધીની ગેરહાજરી સામે ઘણા પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, રાહુલ ગાંધી જવાબદારીથી ભાગી રહ્યા છે. સંઘના મુખપત્રમાં રાહુલની મજાક કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે, રાહુલ મિસ્ટર ઈન્ડિયા છે જે કોઈપણ સમયે ગાયબ થાય છે.

 

રાહુલ ગાંધી અંગે ભાજપ અને સંઘ દ્વારા આવી વાતો વહેતી કરતાં કોંગ્રેસે વળતો જવાબ આપીને વડાપ્રધાન મોદીને ટાર્ગેટ બનાવતાં આજે જણાવ્યું હતું કે વડાપ્રધાન હાલમાં ‘ફેશન યાત્રા’ પર છે.

You might also like